Abtak Media Google News

કોરોનાના મહાસંકટ વચ્ચે હાલ “પ્રાણવાયુ” માટે દર્દીઓ વલખાં મારી રહ્યા છે. રેમડેસિવિર ઈન્જેકશનની પણ ઘટ ગંભીર દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરના રાજ્યોમાં આ કથળતી સ્થિતિ યથાવત છે. એમાં પણ રાજધાની દિલ્હીમાં એક પણ પ્રાણવાયુના પ્લાન્ટ ન હોવાથી અહીં સ્થિતિ વધુ ગંભીર બની છે.

પ્રાણવાયુ ન મળતા દરરોજ સેંકડો લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી છે, મેડિકલ ઓક્સિજન સપ્લાયના વિતરણ પર પ્રશ્નો કરી લાલઘૂમ થયેલી દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને કહ્યું કે તમારાથી સ્થિતિ ન સંભાળાતી હોય અને સત્તા ન સચવાતી હોય તો કેન્દ્ર સરકારની શરણે ચાલ્યા જાવ.

પ્રાણવાયુ પહોંચાડતા શેઠ એર નામના સપ્લાયર દ્વારા મહારાજા અગ્રસેન હોસ્પિટલને સમયસર ઓક્સિજનનો પુરવઠો ન પહોંચાડવામાં આવતા હાઇકોર્ટમાં રજૂઆતો કરવામાં આવી હતી. જેના અનુસંધાને જસ્ટિસ વિપિન સંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની બેંચે આ પ્રકારની ટિપ્પણી કરી હતી.  ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે જો તમે કોરોના સામે ન લડી શકતા હોવ તો અમને કહો અમે કેન્દ્ર સરકારને કહીશું.  સમગ્ર મામલો કેન્દ્ર સરકારને સોંપી દઈશું. આખરે લોકો મરી રહ્યા છે.. લોકોના જીવ બચાવવા જ તમામની પ્રાથમિકતા હોવી જોઈએ.

દિલ્હી હાઈકોર્ટની ખંડપીઠે કેજરીવાલ સરકારને ફટકાર લગાવતા કહ્યું કે એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે બીજી તરફ આવી બેજવાબદારી સાંખી લેવાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.