Abtak Media Google News

હાઇકોર્ટના આદેશ મુજબ તમામ અધિકારીઓ સુનાવણીમાં હાજર રહ્યા અને માફી માંગી: અધિકારીઓની કોરોનાના કારણે વળતર ચૂકવવામાં મોડું થયાની રજૂઆત

 

અબતક,જામનગર

જામનગરથી શરૂ થતાં સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલી જમીનનું વળતર ચૂકવવાના કેસમાં ગુજરાત રાજ્યના અધિકારીઓ સામે હાઇકોર્ટે લાલ આંખ કરી હતી. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અથવા તો એડિશનલ ચીફ સેક્રેટરીને હાઈકોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટે આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ મુજબ તમામ અધિકારીઓએ સુનાવણીમાં હાજર રહીને માફી માંગી હતી.સરકારી અધિકારીઓએ હાઇકોર્ટમાં એક અઠવાડિયામાં તમામને વળતર ચૂકવવાની બાંહેધરી આપી હતી. હાઇકોર્ટમાં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના સેક્રેટરી એસ. બી. વસાવા ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીએ કોરોનાને કારણે અમે વળતર ચૂકવવામાં લેટ થયા હોવાનું જણાવ્યું હતું. જમીન સંપાદનમાં કુલ રૂ. 4,92, 33, 609 નું વળતર ચૂકવવાનું છે, જે 15 ટકા વ્યાજના 65 લાખ વળતર સાથે ચૂકવવું પડશે. હાઇકોર્ટે 10 દિવસમાં એક અઠવાડિયામાં સરકારને તપાસ કરી અને જે નુકશાન થયું તેની સામે સરકાર શું પગલાં લેશે તેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. જો તેમ ન કરવામાં આવે તો હાઇકોર્ટ દંડ કરી શકે છે. અગાઉ આ મામલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મુદ્દે ઓર્ડરમાં જણાવ્યું હતું કે, એક વળતર ચૂકવવામાં આટલો વિલંબ કેમ લાગી રહ્યો છે? જે રકમ વળતર સ્વરૂપે આપવાની છે તેનું વ્યાજ બેંકના વ્યાજ કરતા પણ વધારે છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, અધિકારીઓ કોર્ટ સમક્ષ આવે ત્યારે ખુલાસો લઈને આવે કે વળતરના રૂપિયા ચૂકવવામાં વિલંબ કેમ થયો છે? વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે, વળતરના નાણાં ચૂકવવામાં વિલંબ થતાં પ્રજાની મહેનતના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય થઈ રહ્યો છે. અને 2018માં સંબંધિત કોર્ટે વળતરનો આદેશ કર્યો હોવા છતાંય રકમ ચૂકવવામાં વિલંબ કેમ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.