Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને મુબઇ વચ્ચે હાઇ સ્પીડ રેલવેનું સપનું સેવ્યુ હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી ખાતે મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટનું જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે ખાતમુહૂર્ત કરાશે ત્યારે ગુજરાતનું હાઇસ્પીડ રેલવેનું સપનું સાકાર થશે.મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર અંદાજે ૫૦૮ કિ.મી.ની લંબાઇ ધરાવતા આ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં ૧૫૫.૬૪૨ કિ.મી. જ્યારે ગુજરાતમાં ૩૫૦.૫૩૦ કિ.મી.ની રેલવે લાઇન નાંખવામાં આવશે. આ હાઇસ્પીડ રેલવેના માર્ગમાં અનેકવિધ સ્ટ્રકચર્સ તૈયાર થશે જેમાં આ રેલવે ૭૦ હાઇવે અને ૨૧ નદીઓને ક્રોસ કરશે. રેલવેના માર્ગમાં ૧૭૩ મોટા બ્રિજ અને ૨૦૧ પ્રમાણમાં નાના બ્રિજ તૈયાર થશે. આ રેલવે માટે ૪૬૦.૩ કિ.મી.નો ‘માર્ગ સેતુ’ તૈયાર થશે. જ્યારે ૨૫.૮૭ કિ.મી.નો ટનલીંગ-વે રહેશે. જે ટનલ તૈયાર થવાની છે તેમાંથી ૭ કિ.મી.ની ટનલ થાણેના દરિયાના પેટાળમાં બાંધવામાં આવશે.આ રેલની મહત્તમ ડિઝાઇન સ્પીડ કલાકના ૩૫૦ કિ.મી. અને મહત્તમ ચાલક ઝડપ ૩૨૦ કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેન ત્રણ કલાકથી ઓછા સમયમાં અમદાવાદથી મુંબઇનું અંતર કાપશે અને રસ્તામાં ૧૨ સ્ટેશનો પર ઉભી રહેશે જાપાનના સહયોગથી સાકાર બનતા આ પ્રોજેકટ માટે ૩૦૦ અધિકારીઓને જાપાન ખાતે તાલીમ અપાશે. જે અન્ય ૪,૦૦૦ અધિકારીઓને તાલીમ માટે સહાય રૂપ બનશે. આ સમગ્ર પ્રોજેકટના અમલીકરણ માટે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ની સ્થાપના પણ કરવામાં આવી છે.ભારત-જાપાનના સહયોગથી સાકાર થનારો આ પ્રોજેકટ વડાપ્રધાનશ્રીના ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિયાનમાં શિરમોર બની રહેશે અને ગુજરાત ખરા અર્થમાં પરિવહન ક્ષેત્રે દેશભરમાં ફાસ્ટટ્રેક બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.