Abtak Media Google News

પ્રધાન રાજીનામું આપે અથવા વડાપ્રધાન તેમને તાત્કાલિક કેબિનેટમાંથી દુર કરે

દેશના ગૃહ રાજ્યમંત્રીએ પત્રકારો ઉપર હુમલો કરીને શરમજનક કૃત્ય કર્યું છે અને જો દેશના એક મંત્રી ઉઠીને ચોથી જાગીર સમાન પત્રકારો સાથે અપશબ્દો બોલીને હુમલો કરતા હોય તો દેશની આમ પ્રજાની સલામતીનું શું તેવો પ્રશ્ન પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટના પૂર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ પ્રકરણમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ તુરંત રાજીનામું આપી દેવું જોઈએ અને જો તે ન આપે તો વડાપ્રધાને તેમને હાંકી કાઢવા જોઈએ.

Advertisement

એક નિવેદનમાં મહેશ રાજપૂતે કહ્યું છે કે, જયારે અજય મિશ્રાના પુત્રએ લોકોને કચડી નાખ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, જો મારા પુત્રની સંડોવણી નીકળશે તો હું રાજીનામું આપી દઈશ. તેમને પુત્રની ચોખ્ખી સંડોવણી ખુલી ગઈ છે આમ છતાં તેઓ રાજીનામું નથી આપતા અને ઉપરથી દાદાગીરી કરી રહ્યા છે.

મહેશ રાજપૂતે એમ પણ કહ્યું છે કે, ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખૈરીમાં ખેડૂતોને પોતાના વેહિકલથી કચડી નાખ્યા હતા અને હાલમાં તે જેલમાં કેદ છે. હવે સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલા એક વિડિયોથી જણાતું હતું કે તેમણે તેમના મગજ પરનો કાબૂ ગુમાવ્યો છે, કેમ કે આ વિડિયોમાં તેઓ મીડિયા-કર્મચારીઓને અપશબ્દો કહેતા જ નહીં, પરંતુ એક પત્રકાર પર હાથ ઉગામવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા.

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે લખીમપુર ખૈરી હિંસાને પૂર્વઆયોજિત કાવતરું ગણાવ્યું છે અને આશિષ મિશ્રાની વિરુદ્ધ ગંભીર આરોપો મૂકવાની ભલામણ કરી છે, જેના વિશે એક પત્રકારે અજય મિશ્રાને પૂછતાં તેઓ મોટેથી બોલવા લાગ્યા હતા કે ‘આવા મૂર્ખામીભર્યા સવાલો ન પૂછો. દિમાગ ખરાબ થઈ ગયું છે?’ અજય મિશ્રા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન છે. તેઓ આ વિડિયોમાં એક રિપોર્ટર તરફ ધસી જઈને તેનું માઇક છીનવી લેવાની પણ કોશિશ કરીને એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘માઇક બંધ કરો બે.’ આ વિડિયોમાં તેઓ અપશબ્દો કહેતા તેમ જ રિપોર્ટર્સને ‘ચોર’ કહેતા પણ જોવા મળ્યા હતા.

જો કે, કેન્દ્રીય મંત્રી પત્રકારો ઉપર આવી દાદાગીરી કરી શકતા હોય તો બિચારી પ્રજાનું શું થઇ શકે એ મોટો સવાલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પોતાની કેબિનેટમાંથી તાત્કાલિક દુર કરવા જોઈએ તેવી માંગણી પણ અંતમાં મહેશ રાજપૂતે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.