Abtak Media Google News
  • અમદાવાદથી મુંબઈ જતી વેળાએ કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • કારમાં 4 લોકો સવાર હતા, સાયરસ અને અન્ય એક વ્યક્તિનું મોત: કાર ચલાવતા મહિલા તબીબ અને તેમના પતિની હાલત ગંભીર

ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.  54 વર્ષીય મિસ્ત્રી પોતાની મર્સિડીઝ કાર એમએચ 47 એબી 6705માં ગુજરાતથી મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત થયો,   મિસ્ત્રીની કાર એક મહિલા ડોક્ટર ચલાવી રહ્યા હતા, જેનું નામ અનાહિતા પંડોલે છે.  અકસ્માતમાં તેઓ બચી ગયા છે, પરંતુ તેની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.

સાયરસ મિસ્ત્રીની કાર બપોરે 3.15 કલાકે સૂર્યા નદી પરના પુલ પરથી પસાર થતી વખતે ચરોટી નજીક ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના પગલે ભયાનક અકસ્માત સર્જાયો હતો.  આ માર્ગ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.  જ્યારે કાર ચલાવતા મહિલા  તબીબ અને તેના પતિની હાલતનાજુક છે.  બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લક્ઝરી કાર ચલાવતી અનાહિતા પંડોલે અને તેના પતિને આજે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.  આ માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.  જાણીતા ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે (55) અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) અકસ્માતમાં બચી ગયા હતા.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસને આ મામલે વિગતવાર તપાસ કરવા જણાવ્યું છે.  તેમણે કહ્યું કે પોલીસને માર્ગ અકસ્માતની વિગતવાર તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે જેમાં સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું.

સાયરસ મિસ્ત્રીએ 18 વર્ષની ઉંમરે ફેમિલી બિઝનેસમાં ઝંપલાવ્યું હતું

સાયરસ મિસ્ત્રીએ 18 વર્ષની ઉંમરે ફેમિલી બિઝનેસથી બિઝનેસ કરિયરની શરૂઆત કરી હતી.  1991માં પરિવારના પલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું.  – 1994માં પલોનજી ગ્રૂપના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા. 2006માં પલોનજી ટાટા સન્સના બોર્ડમાંથી નિવૃત્ત થયા અને તેમની જગ્યાએ 38 વર્ષીય સાયરસ આવ્યા.  2011માં સાયરસને ટાટા સન્સના ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા.  2012 માં, તેઓ જૂથના છઠ્ઠા અને સૌથી યુવા અધ્યક્ષ બન્યા.

સાયરસ મિસ્ત્રી 4 વર્ષ ટાટાના ચેરમેન રહ્યા

23 નવેમ્બર 2011 ના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ, એક સમાચાર આશ્ચર્યજનક રીતે બહાર આવ્યા કે ટાટા જૂથને એક નવા અનુગામી મળ્યા છે.  રસપ્રદ વાત એ હતી કે ભાવિ વડા ટાટા પરિવારમાંથી નહીં પણ બહારના વ્યક્તિ છે.  અને પછીના થોડા કલાકોમાં, 43 વર્ષીય સાયરસ પલોનજી મિસ્ત્રીને ટાટા જૂથના સૌથી યુવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સાથે જ એ વાતની પણ પુષ્ટિ થઈ હતી કે સાયરસ 73 વર્ષીય રતન ટાટાના અનુગામી બનશે.  રતન ટાટાના અનુગામી તરીકે સાયરસ મિસ્ત્રીની ઘોષણા પછી, ટાટા જૂથની કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો અને તેમના માર્કેટ કેપમાં આશરે રૂ. 5,200 કરોડનો વધારો થયો.  મિસ્ત્રીને 28 ડિસેમ્બર 2012ના રોજ ટાટા ગ્રૂપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે અપેક્ષા મુજબ થયું ન હતું.  2016માં મિસ્ત્રીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

સાયરસ મિસ્ત્રી આયર્લેન્ડની પણ નાગરિકતા ધરાવતા હતા

સાયરસ મિસ્ત્રીના પિતા પલોનજી મિસ્ત્રીએ એક આઇરિશ મહિલા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેમને ત્યાંની નાગરિકતા મળી.  થોડા સમય પછી સાયરસ મિસ્ત્રીનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો.સાયરસ મિસ્ત્રીને એક મોટો ભાઈ અને બે બહેનો છે.  સાયરસનો જન્મ ભલે આયર્લેન્ડમાં થયો હોય, પરંતુ તેણે તેનો પ્રારંભિક અભ્યાસ ભારતના મુંબઈ શહેરમાંથી કર્યો હતો.  થોડા સમય પછી તેણે લંડનથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને તે પછી તેણે એમબીએમાં માસ્ટર કર્યું.  પછી અહીંથી તેમના જીવનનો વળાંક બિઝનેસની દુનિયા તરફ વળ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.