3904 સાયબર ક્રાઈમ પીડિતોને રૂ. 8.29 કરોડ જેવી માતબર રકમ પરત અપાવાઈ!!

વધતા જતા ટેક્નોલોજીના યુગમાં ગુનેગારો પણ ડિજિટલ બનતા સાઇબર છેતરપિંડીની ઘટનાઓમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. તેમાં પણ ખાસ બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપડી જવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બનતી જઈ રહી છે. ભોગ બનનાર બેંકનો સંપર્ક કરે ત્યારે વર્ષો સુધી નાણાં પરત નહીં મળવાની ફરિયાદો પણ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે ભોગ બનનારે નાણાં પરત મેળવવા ફાંફા ન મારવા પડે તેના માટે ગુજરાત પોલીસે દેશભરમાં પ્રથમવાર એક અનોખું આયોજન હાથ ધર્યું છે. ગુજરાત પોલીસના હકારાત્મક અભિગમના લીધે ભોગ બનનારને ફકત એક કે બે મહિનામાં જ નાણાં પરત મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સીઆઈડી ક્રાઈમે હવે ભોગ બનનારને નાણાં પરત અપાવવા માટે એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે.  ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) ની કલમ 457ની વિશેષ જોગવાઈનો ઉપયોગ કરીને  તેઓએ સમગ્ર ગુજરાતમાં યોજાયેલી વિશેષ લોક અદાલતો દ્વારા એક કે બે મહિનામાં 3904 સાયબર ક્રાઈમ પીડિતોને રૂ. 8.29 કરોડ જેવી માતબર રકમ પરત અપાવી છે.

જૂન 2022માં અમલમાં આવેલી પ્રક્રિયાની સફળતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જૂથને 25 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખેંચી લાવી હતી. તેઓએ ઓપરેશનનો અભ્યાસ કર્યો જેથી તેઓ સમગ્ર દેશમાં તતેનો અમલ કરી શકે, તેવુંસીઆઈડી ક્રાઈમના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે, સામાન્ય રીતે સાયબર અપરાધી નાણાં ઉચાપત કરે છે અને ત્યારબાદ તે નાણાં દેશના દૂરના ખૂણામાં સ્થિત શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર કરે છે અને પછી એટીએમ દ્વારા રકમ ઉપાડી લે છે.

પોલીસ અધિકારીએ આગળ કહ્યું કે,  જો પીડિતા પોલીસને 1930 હેલ્પલાઇન પર છેતરપિંડી વિશે તરત જ જાણ કરે છે તો બેંક શંકાસ્પદ એકાઉન્ટને ફ્રીઝ કરી દે છે જેનાથી ગુનેગાર માટે પૈસા ઉપાડવાનું અશક્ય બને છે. હવે બેંકમાંથી રકમ પરત મેળવવા માટે પીડિતોને કોર્ટના આદેશની જરૂર હોય છે. જો કે, મોટા ભાગના કિસ્સાઓમાં પીડિતો આરોપ લગાવવા માંગતા નથી અને માત્ર તેમના પૈસા પાછા માંગે છે.

સીઆઈડી ક્રાઈમના સાયબરસેલ વિભાગના ડીવાયએસપી બી એમ ટાંકે જણાવ્યું હતું કે એક વિશેષ સમિતિએ સીઆરપીસીની કલમ 457 નો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું, જે મેજિસ્ટ્રેટને સ્થિર રકમની શરતી મુક્તિનો આદેશ આપવા માટે તેમના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની સત્તા આપે છે.

નિયમ જણાવે છે કે, જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જપ્તીની જાણ આ કોડની જોગવાઈઓ હેઠળ મેજિસ્ટ્રેટને કરવામાં આવે છે. જો તે હકદાર વ્યક્તિ જાણીતી હોય તો મેજિસ્ટ્રેટ આવી શરતો પર તેને મિલકત પરત આપવાનો આદેશ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી સાયબર અપરાધીઓએ લગભગ 1.27 લાખ ગુજરાતીઓ પાસેથી રૂ. 814 કરોડ રૂપિયાની ચોરી કરી છે.

સીઆઈડી (ક્રાઈમ અને રેલ્વે)ના એડિશનલ ડીજીપી આર બી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જો કોઈ પીડિતા શરૂઆતના કલાકોમાં કોલ કરે છે, જેને ગોલ્ડન અવર્સ ગણવામાં આવે છે તો મની ટ્રેલ સ્થાપિત થઈ શકે છે અને આગળના વ્યવહારને અવરોધિત કરી શકાય છે. તેમણે કહ્યું છે કે, માત્ર પૈસા બ્લોક કરીને સંતુષ્ટ નથી ત્યારે અમે મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરીને મુદ્દામાલ (આ કેસમાં નાણાં) મેળવવા માટે સીઆરપીસીની કલમ 457નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

પોલીસને સામાન્ય રીતે રોજના લગભગ 1200 થી 1300 કોલ આવે છે અને તે બધાને એફઆઈઆરમાં રૂપાંતરિત કરી શકાતા નથી. તેમણે ઉમેર્યું હતું કે તમામ ફરિયાદોની તપાસ કરવી શક્ય નથી. તેથી અમે લોકોને તેમની રકમ પરત અપાવવાનું નક્કી કર્યું છે.

ટાંકે ઉમેર્યું છે કે, , અમે પીડિતાને જાણીએ છીએ પરંતુ નકલી એકાઉન્ટ બનાવનાર ગુનેગારના ઓળખપત્રો અજાણ્યા છે. આ સ્થિતિમાં પોલીસ પીડિતા પાસેથી બોન્ડ માંગે છે. તેણે જાહેર કરવું પડશે કે જો તેમનો દાવો ખોટો હોય અથવા જો રકમ પર અન્ય દાવા કરવામાં આવ્યા હોય તો બેંકને તેઓ રિફંડ કરેલી રકમના 1.5 ગણા ચૂકવશે.

સીઆરપીસીની કલમ 457નો ઉપયોગ કરી મુદ્દામાલ પરત અપાવનાર પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

અધિકારીઓએ પ્રક્રિયાનો અભ્યાસ કરવા ગુજરાતની મુલાકાત લીધી હોવાની પુષ્ટિ કરતાં એડીજીપી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ભારતના કોઈ પણ રાજ્યે અગાઉ સીઆરપીસીની કલમ 457 હેઠળ આ પ્રક્રિયાનો અમલ કર્યો નથી. ગુજરાતે તેની પહેલ કરી છે અને એમએચએ તમામ રાજ્યોને આ મોડલને અનુસરવા સૂચના આપશે.

પ્રથમ લોક દરબાર યોજી રૂ. 1.5 કરોડની માતબર રકમ પરત અપાઈ!!

સમગ્ર પ્રક્રિયા સાથે સંકળાયેલા સીઆઈડી ક્રાઇમના સબ-ઇન્સ્પેક્ટર એચ જે પરમારે જણાવ્યું હતું કે,  અમારી પ્રથમ લોક અદાલત 6 જૂન, 2022 ના રોજ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં યોજાઈ હતી. જ્યાં 715 અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી હતી અને 1.5 કરોડ રૂપિયા રિફંડ કરવામાં આવ્યા હતા.  સીઆઈડીએ કાયદાના વ્યાવસાયિકોના વિસ્તૃત જૂથની સલાહ લીધી હતી જેમાં રાજ્યની કાનૂની સત્તા અને કાયદાના પ્રોફેસરોની આગેવાની હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.