મોહનથાળ પ્રસાદ બંધ કરવાના વિરોધમાં અંબાજી સજ્જડ બંધ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ ધરણા પ્રદર્શન: મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ શરૂ કરાતા ભાવિકોમાં ભભૂકતો રોષ

વિશ્વ વિખ્યાત તિર્થધામ શક્તિપીઠ અંબાજી મંદિરે છેલ્લા 900 વર્ષથી ભાવિકોને અપાતો પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવતા લાખો ભાવિકોમાં રોષ ફાટી નિકળ્યો છે. ધગધગતી રજૂઆત કરવા છતા મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં ન આવતા આજે અંબાજીમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ અંબાજી મંદિરની બહાર ધરણા કરવામાં આવ્યા હતાં.

શક્તિપીઠ અંબાજી તિર્થધામમાં છેલ્લા 900 વર્ષોથી ભાવિકોને પ્રસાદરૂપે મોહનથાળ આપવામાં આવે છે. દરમિયાન છેલ્લા એકાદ સપ્તાહથી પ્રસાશન દ્વારા પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો છે અને ચિકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. જેની સામે રાજ્યભરમાં માઇભક્તોમાં ભારે વિરોધ ફાટી નિકળ્યો છે. આજે અંબાજીમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મંદિર પરિસરની બહાર વિરોધ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા અમદાવાદના માધુપુરા ખાતે અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ ધરી અંબાજીમાં ફરી પરંપરાગત પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવે તેવી પ્રાર્થના કરી હતી.

રાજ્યભરમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયની નિંદા થઇ રહી છે છતા સરકાર દ્વારા કોઇ જ પગલા લેવામાં આવતા નથી.