ફકત 5 મહિનામાં 7 ચિત્તા મૃત્યુ પામ્યા ચિંતાના વાદળો ઘેરાયા

કુનો નેશનલ પાર્કમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કુનોમાં વધુ એક નર ચિત્તાનું મૃત્યુ થયું છે. નર ચિત્તા તેજસનું મૃત્યુ થયું છે. મોનિટરિંગ ટીમને તેજસ ઘાયલ અવસ્થામાં જોવા મળ્યો, ત્યારબાદ મોનિટરિંગ ટીમે તેની સારવાર કરી, પરંતુ સારવાર બાદ પણ ચિત્તાનો જીવ બચાવી શકાયો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે કલાકો સુધી બેભાન હતો. બીજી તરફ ચિત્તા તેજસના મોત બાદ અત્યાર સુધીમાં 5 મહિનામાં જ કુનો નેશનલ પાર્કમાં 4 ચિત્તા અને 3 બચ્ચાનાં મોત થયાં છે. તેજસ તે ચિત્તાઓમાં સામેલ છે, જે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવ્યા હતા.

Advertisement

અગાઉ 25 મેના રોજ બે બચ્ચા મૃત્યુ પામ્યા હતા

આ પહેલા 25 મેના રોજ કુનો નેશનલ પાર્કમાં વધુ બે બચ્ચા મૃત્યુ પામ્યા હતા. ચિત્તા તેજસના મૃત્યુ બાદ છેલ્લા કેટલાક મહિનામાં આફ્રિકન દેશોમાંથી ભારતમાં આવેલા કુલ 7 ચિત્તાના મોત થયા છે. પહેલા ત્રણ ચિત્તા અને પછી ત્રણ બચ્ચા અલગ-અલગ કારણોસર મૃત્યુ પામ્યા હતા.

નામિબિયાથી ભારત આવેલા ચિત્તાઓમાંના એક સાશાનું 27 માર્ચે કિડની સંબંધિત બીમારીને કારણે અવસાન થયું હતું. એવું માનવામાં આવે છે કે શાશા નામીબિયામાં કેદ હતી ત્યારે આ રોગ થયો હતો અને કુનો આવ્યા ત્યારથી તે અસ્વસ્થ હતી. દક્ષિણ આફ્રિકાના ચિત્તા ઉદયનું 13 એપ્રિલના રોજ અવસાન થયું હતું. ઉદયનું મૃત્યુ કાર્ડિયોપલ્મોનરી ફેલ્યોર હોવાનું માનવામાં આવતું હતું. દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષનું સમાગમ દરમિયાન થયેલી ઈજાને કારણે 9 મેના રોજ મૃત્યુ થયું હતું.

મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચિત્તા કાર્યક્રમ હેઠળ આફ્રિકાના દેશોમાંથી ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવ્યા છે. તેનો હેતુ સાત દાયકાના લુપ્ત થયા પછી દેશમાં ફરી એકવાર ચિત્તાઓની વસ્તીને પુનર્જીવિત કરવાનો છે. તેજસ ચિત્તાના મોત બાદ હવે કુનો નેશનલ પાર્કમાં 16 પુખ્ત ચિત્તા અને 1 બચ્ચું છે. સતત થઈ રહેલા ચિત્તાના મોતોને લઈને વન્ય જીવ વિશેષજ્ઞોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.