Abtak Media Google News

ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો અને અન્ય જહાજોનો ઓર્ડર આપ્યો,
જેની કુલ કિંમત રૂ. 2 લાખ કરોડ

જળ ક્ષેત્રે ચીનને ભરી પીવા ભારત સજ્જ બન્યું છે. બંને દેશો વચ્ચે  જમીની સરહદ ઉપરાંત હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ સામસામે છે. તેને ધ્યાનમાં રાખીને જ ભારત પોતાના નૌકાદળને મજબૂત બનાવવામાં લાગી ગયું છે. જેથી હબે 2035 સુધીમાં ભારત 175 યુદ્ધ જહાજો નિર્માણ કરવાનું છે

ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો અને અન્ય જહાજોનો ઓર્ડર આપ્યો છે. તેની કુલ કિંમત 2 લાખ કરોડ રૂપિયાની આજુબાજુ થાય છે.  સમુદ્રમાં ચીન તરફથી વધી રહેલા ખતરાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી-નેવી હિંદ મહાસાગર ક્ષેત્ર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેના વર્તમાન લોજિસ્ટિક પડકારને દૂર કરવા માંગે છે. તેણે  હોર્ન ઓફ આફ્રિકામાં જિબુટી, પાકિસ્તાનમાં કરાચી અને ગ્વાદરમાં પોતાનો બેઝ સ્થાપિત કર્યો છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ચીની નૌકાદળ કંબોડિયાના રેમમાં પણ પોતાનો વિદેશી બેઝ સ્થાપિત કરશે. તેનો ઉદ્દેશ્ય દરેક સમુદ્રમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે.

ઈન્ડિયન નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી ગઈ છે. આ સિવાય 8 નેક્સ્ટ જનરેશન કોર્વેટ, 9 સબમરીન, 5 સર્વે શિપ અને 2 મલ્ટીપર્પઝ જહાજોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ આગામી વર્ષોમાં તૈયાર કરાશે. નૌકાદળે ભલે બજેટની ગંભીર સમસ્યા, ડિકમીશનિંગ અને ભારતીય શિપયાર્ડની આળસનો  સામનો કરવો પડી રહ્યો હોય પણ 2030 સુધીમાં તેની પાસે 155 થી 160 યુદ્ધ જહાજ હશે.

એક અહેવાલમાં જણાવાયું  હતું કે ભલે આ આંકડો ઘણો સારો લાગે છે. પરંતુ ભારતીય નૌકાદળનો વાસ્તવિક ઉદ્દેશ્ય 2035 સુધીમાં તેના કાફલામાં ઓછામાં ઓછા 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો છે. તેના દ્વારા માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં પરંતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ આપણી પહોંચ મજબૂત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન ફાઈટર પ્લેન, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.