Abtak Media Google News

બારીએ સુકાતો ગમછો બાળકીના ગળામાં વિટળાઈ ગયા બાદ પગ લપસી જતાં ગળાફાંસો લાગી ગયાનું તારણ

સુરતમાં નાના બાળકોને એકલા મુકી પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા વાલીઓ માટે ચેતવણી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા મૂળ ઓરિસ્સાના મનોજ જૈના લુમ્સના કારખાનામાં કામ કરે છે. તેમને સંતાનમાં 5 વર્ષની પુત્રી એસ્પીતા હતી.

Advertisement

ગત 21મીએ મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઇ બનાવી રહ્યાં હતા તે દરમ્યાન બારી નજીક ફોન પર ગેમ રમતી માસુમ એસ્પીતાને બારી પાસે સુકવવા નાંખેલો ગમછો કોઈક રીતે ગળે વિટળાયા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો. બુમ પાડતા એસ્પીતાએ જવાબ ન આપતા માતા જોવા ગઈ હતી. એસ્પીતાને ફાંસો લાગ્યાનું જણાતા તેણીને તરત ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ હતી. એક પછી એક 3 ખાનગી હોસ્પિટલમાં રિફર થયા બાદ લાલદરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એસ્પીતાએ દમ તોડી દીધો હતો.

એસ્પીતાના પિતા મનોજ જૈનાએ જણાવ્યું હતું કે એસ્પીતા મારી એકની એક પુત્રી હતી. ઘરમાં નેટવર્ક બરાબર ન આવતા તે બારી પાસે મોબાઈલમાં ગેમ રમતી હતી. બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો. ગળાની નસ દબાઈ ગઈ હોવાથી તેને બેભાન હાલતમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ ડોક્ટર તેને બચાવી ન શક્યા અમારી એકની એક દીકરી અમે ગુમાવી દીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.