Abtak Media Google News

ઈરાનની સેનાએ મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે મુખ્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાક અને સીરિયામાં હવાઈ હુમલાના એક દિવસ બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પાકિસ્તાનમાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા. ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બલૂચ આતંકવાદી જૂથના બે મુખ્ય બેઝ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

Advertisement

આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના મુખ્ય બે ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરાઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની સેનાએ પાકિસ્તાનના બલૂચિસ્તાની આતંકી જૂથ પર હુમલો કર્યો હતો. જ્યાં જૈશ-અલ-અદલનું સૌથી મોટું હેડક્વાર્ટર હતું. પાકિસ્તાને દાવો કર્યો છે કે ઈરાનના ઉશ્કેરણી વગરના હુમલામાં બે માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે.

અહેવાલ અનુસાર, ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે બલુચી આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના બે ઠેકાણાઓને મિસાઈલ વડે નિશાન બનાવવામાં આવ્યા છે. આના એક દિવસ પહેલા ઈરાને ઈરાક અને સીરિયામાં પણ મિસાઇલ હુમલો કર્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી જૂથે અગાઉ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું કે મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરીને આતંકવાદીઓના ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓની સખત નિંદા કરતા એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન ઈરાન દ્વારા તેના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનની સખત નિંદા કરે છે, જેમાં બે માસૂમ બાળકો માર્યા ગયા હતા, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને હંમેશા કહ્યું છે કે આતંકવાદ આ ક્ષેત્રના તમામ દેશો માટે એક

સમાન ખતરો છે, જેના માટે સંકલિત કાર્યવાહીની જરૂર છે. આવી એકપક્ષીય કાર્યવાહી સારા પડોશી સંબંધો સાથે સુસંગત નથી. આવી કાર્યવાહી દ્વિપક્ષીય સંબંધો અને વિશ્વાસને ગંભીરપણે નબળી પાડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.