Abtak Media Google News

બસ અકસમતમાં બે બાળકો સહિત 21 લોકોના મોત

Bas Accident Venis

ઇન્ટરનેશનલ ન્યૂઝ

મંગળવારે ઇટાલીના વેનિસ શહેર પાસે એક બ્રિજ પરથી બસ પડી હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. મેસ્ત્રેમાં થયેલા આ અકસ્માતમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 21 વિદેશી પ્રવાસીઓના કરુણ મોત થયા હતા. લગભગ 18 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બસમાં મુસાફરી કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા જ તેમાં આગ લાગી હતી, જેના કારણે ઓછામાં ઓછા 21 લોકો દાઝી ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને બહાર કાઢ્યા. બસમાં લાગેલી આગને ઓલવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે. વેનિસના મેયર લુઇગી બ્રુગનારોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે બસ વેનિસથી નજીકના માર્ગેરા જઈ રહી હતી. તેમણે આ ઘટનાને દુર્ઘટના ગણાવી હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 40 વર્ષીય બસ ડ્રાઈવરની ઓળખ આલ્બર્ટો રિઝોટ્ટો તરીકે થઈ છે. ટ્રાફિક કાઉન્સેલર રેનાટો બોરાસોએ જણાવ્યું હતું કે રિઝોટ્ટો ડ્રાઇવિંગમાં નિષ્ણાત હતો અને બસ ડ્રાઇવર તરીકે 7 વર્ષનો અનુભવ ધરાવે છે.

અહેવાલો અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં યુક્રેનિયન પ્રવાસીઓનો સમાવેશ થાય છે. સ્થાનિક સમાચાર એજન્સી ANSAએ જણાવ્યું કે મૃતકોમાં જર્મન અને ફ્રેન્ચ નાગરિકો પણ સામેલ છે. શહેરના એક અધિકારીએ એએફપીને જણાવ્યું કે ઘાયલોમાં ત્રણ યુક્રેનિયન, એક ક્રોએશિયન, એક જર્મન અને એક ફ્રેન્ચ નાગરિકનો સમાવેશ થાય છે.

 

Venis Bas

ઇટાલીના વેનેટો પ્રદેશના પ્રમુખ લુકા ઝૈયાએ બસ અકસ્માતને મોટી દુર્ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં કેટલાક સગીરો સામેલ હતા. પીડિતો અને ઘાયલો માત્ર ઈટાલિયન જ નહીં પરંતુ વિવિધ દેશોના હતા. 20 થી વધુ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ટ્રેવિસો એર એમ્બ્યુલન્સને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ઘાયલોને મેસ્ત્રે, મિરાનો, પદુઆ અને ટ્રેવિસોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બચાવ કાર્ય સ્થાનિક સમય અનુસાર સાંજે 7:45 વાગ્યે શરૂ થયું હતું અને લગભગ 9:30 વાગ્યે પૂરું થયું હતું. દેશના વડાપ્રધાને પણ અકસ્માત બાદ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ જ્યોર્જિયા મેલોનીએ ટ્વિટર પર લખ્યું: “મેસ્ત્રેમાં બનેલી ગંભીર ઘટના માટે હું મારી અંગત અને સરકારની ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમારા વિચારો પીડિતો અને તેમના પરિવારો અને મિત્રો સાથે છે.”

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, “આજે સાંજે મારી સંવેદના ઇટાલિયન લોકો, વેનિસમાં ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.