Abtak Media Google News

હદપારી ભંગના ગુનામાં પકડવા ખાનગી ડ્રેસમાં પોલીસને દૂશ્મન સમજીતલવારથી કર્યો ખૂની હુમલો: પોલીસ કમિશનર કચેરીમાં કરાઈ આકરી સરભરા

શહેરના ગોપાલનગર વિસ્તારના માથાભારે શખ્સને પોતાના વિસ્તારમાં અદાવત ચાલતી હોવાથી તેના પર હુમલો કરવા આવ્યાનું સમજી પોલીસ પર તલવારથી હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અવાર નવાર પોલીસ સાથે ઘર્ષણ કરવાની ટેવ ધરાવતા તડીપાર શખ્સે ભક્તિનગરના પોલીસમેન પર તલવારથી હુમલો કરતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તડીપાર શખ્સની પોલીસે ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોપાલનગર વિસ્તારમાં રહેતા જયદીપ દેવડા નામના શખ્સ સામે મારામારીના ચાર અને જુગાર તેમજ હથિયારધારા ભંગના ગુના નોંધાતા ડીસીપીએ ગત વર્ષે રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી અને મોરબી જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કર્યો હતો.

જયદીપ દેવડાના લગ્ન હોવાથી રાજકોટમાં આવવા માટેની મંજૂરી લેવામાં આવી હતી. મંજૂરી પૂરી થયા બાદ રાજકોટ છોડીને ન ગયેલા જયદીપને પકડવા ભક્તિનગર પોલીસ સ્ટાફ ગયો ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટાફને પોતાના દૂશ્મનો હુમલો કરવા આવ્યાનું સમજીને તલવારથી તૂટી પડયો હતો. પોલીસમેન દિવ્યરાજસિંહ ઝાલા સહિત પાંચ જેટલા પોલીસમેન ઘવાયા હોવાનું બહાર આવ્યું છે.

તડીપાર કરાયેલા જયદીપ દેવડા હદપારી ભંગ કરી રાજકોટમાં આવ્યાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ. પી.બી.જેબલીયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રતાપસિંહ રાણા, દેવાભાઇ ધરજીયા ભાવેશભાઇ મકવાણા અને કોન્સ્ટેબલ મનિષભાઇ હેમાભાઇ તેમજ દિવ્યરાજસિંહ દિલીપસિંહ ઝાલા પકડવા ગયા ત્યારે જયદીપ દેવડાએ દિવ્યરાજસિંહ ઝાલા પર તલવારથી હુમલો કરી ભાગવા જતાં પી.એસ.આઇ. જેબલીયા સહિતના સ્ટાફે ઝડપી આકરી પૂછપરછ કરી છે. ઘવાયેલા દિવ્યરાજસિંહ ઝાલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.