Abtak Media Google News

ફેસબૂક એકાઉન્ટ ખોલવાનું કહી ૯૦ હજાર ઉપાડી લીધા

જામનગરના બેડી વિસ્તારમાં નોકરી કરતા અમદાવાદના એક પ્રૌઢને તેના જ મિત્રએ મોબાઈલમાં ફેસબુક એકાઉન્ટ ખોલી આપવાની લાલચ બતાવી તે પ્રૌઢના બેંક એકાઉન્ટ જાણી લીધા પછી બે મહિનામાં તેમના બેંક એકાઉન્ટમાંથી કટકે-કટકે રૃા. નેવું હજાર પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા છેતરાયેલા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

જામનગરના પંડિત નહેરૃ માર્ગ પર આવેલા બેડી નજીકના રણજીતવીલામાં રહેતા મૂળ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ભંકોડા ગામના વતની રણધીરસિંહ રામભા સોલંકી (ઉ.વ. ૫૨) ત્યાં આવેલી એક પેઢીમાં નોકરી કરે છે. તેઓએ પોતાના મોબાઈલમાં ફેસબુક એપ્લીકેશન શરૃ કરવા માટે સાથી કર્મચારી રાજ પ્રજાપતને વાત કરતા આ શખ્સે ફેસબુક ચાલુ કરતા આવડતું હોવાનું કહ્યું હતું.

ત્યારપછી ગઈ તા. ૨૦ જુનના દિવસ પહેલાં રાજે મોબાઈલ આપો તો આ એપ્લીકેશન શરૃ કરી આપું તેમ કહેતા તેના પર વિશ્વાસ રાખી રણધીરસિંહે પોતાનો મોબાઈલ આપ્યો હતો. તેમાં ઉપરોક્ત એપ્લીકેશન શરૃ કરવા માટે તમારે કેટલીક વિગત જણાવવી પડશે તેમ કહેતા રાજની વાતોમાં આવી રણધીરસિંહે જન્મ તારીખ વિગેરે જણાવ્યા હતાં ત્યારે આ એપ્લ્ીકેશન શરૃ કરવામાં બેંક એકાઉન્ટ નંબરની જરૃર ન હોવા છતાં રાજ પ્રજાપતે તે પુછી લઈ જાણી લીધા હતાં.

ઉપરોક્ત એપ્લીકેશન શરૃ કરાવી દીધા પછી થોડા જ દિવસમાં રણધીરસિંહના મોબાઈલમાં તેમના બેંક એકાઉન્ટમાંથી કટકે-કટકે રૃા. ૯૦,૦૦૦ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાના મેસેજ આવતા હાંફળાફાંફળા બનેલા રણધીરસિંહે બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાં પડેલી બચતની રૃા. ૯૧,૮૫૬ની રકમમાંથી ૯૦,૦૦૦ ટ્રાન્સફર થયેલા જણાઈ આવતા રણધીરસિંહે ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ફેસબુક ચાલુ કરી આપવા રાજ પ્રજાપતે બેંક એકાઉન્ટ નંબર જાણી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.