Abtak Media Google News

એકથી વધુ લોકોના જીવ જોખમાય તેવા અકસ્માતના સ્થળ પર મેડિકલ ઈમજન્સીની સુવિધા વધુ મજબૂત કરવા આદેશ આપતા કલેકટર અરૂણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રાજકોટ રોડ સેફ્ટી કાઉન્સિલની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, 108ની ટીમ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારણ અંગે થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર એ રાજકોટ ભાવનગર હાઇવે પરના ત્રંબા, મહીકા, વિઠ્ઠલવાવ, સરધાર, અણિયારા, લાખાપર અને કાગદળી ગામોમાં બ્લેક સ્પોટ ધરાવતી જગ્યા પર સાઈન બોર્ડ, સ્પીડ લિમિટના બોર્ડની થયેલી કામગીરી અંગેની જાણકારી આપી હતી. તેમજ 108ની ટીમે સર્વે કરીને જે જગ્યાએ અકસ્માત વધુ થતા હોય ત્યાં એમ્બ્યુલન્સની સંખ્યા વધારી હોવાનું કલેકટર ને જણાવ્યું હતું.

વધુમાં કલેકટર એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને વિદ્યાર્થીઓને રોડ સેફટીની બાબતને લઈને જાગૃત કરવા માટે સેમિનાર અને સ્પર્ધાઓનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. સાથો સાથ આપણી ખોટી ઉતાવળના કારણે કોઈનો જીવ જોખમાય તેના બદલે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની કલેકટરએ અપીલ કરી હતી.

આ ઉપરાંત અમુક બ્લેક સ્પોટ પર એક કે તેથી વધુ લોકોના જીવ જોખમાય તેવા અકસ્માતના સ્થળો પર મેડિકલ ઇમરજન્સીની સુવિધા વધુ મજબુત કરવા પર ભાર મુક્યો હતો. તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બનતા બ્રીજોનું કામ જલ્દીથી પૂર્ણ કરવા કલેકટરએ સૂચના આપી હતી.આ તકે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ઇન્ટીગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ સોફ્ટવેરમાં ગંભીર અકસ્માતોની એન્ટ્રી કરવામાં આવશે. જેના માટે આર.ટી.ઓ, પોલીસ અને આરોગ્યની ટીમને સંકલન સાધીને કામ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં રોડ સેફટી વિભાગના નિવૃત સી.ઈ.ઓ. શ્રી જે.વી. શાહ, આર.ટી.ઓ. અધિકારીશ્રી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ, એલ. એન્ડ ટી, એન.એચ.આઈ.એ. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.