Abtak Media Google News

Table of Contents

Screenshot 4 18

વિકાસના સારથી એવા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા

દિવ્યાંગ મિલકતધારકોને વેરામાં 5% વળતર આપવાની જાહેરાત કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2022-23ના રૂા.2355.78 કરોડના બજેટને આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવી હતી. શહેરના વિકાસના સાચ્ચા સારથી એવા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી સતત એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને આગામી નાણાંકીય વર્ષથી એડવાન્સ ટેક્સમાં અપાતાં વળતર ઉપરાંત વધારાનું 1% વિશેષ વળતર આપવામાં આવશે. આ ઉપરાંત 50%થી વધારે ડીસેબીલીટી ધરાવતા દિવ્યાંગ મિલકતધારકોને વળતર યોજના દરમિયાન મિલકત વેરામાં વિશેષ 5% વળતર અપાશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે શહેરના આશરે 5.25 લાખ મિલકતો નોંધાયેલી છે. જે પૈકી ગત વર્ષે આશરે 2.30 લાખ મિલકતધારકોએ કોર્પોરેશન વેરા વળતર યોજનાનો લાભ લીધો હતો અને એડવાન્સ ટેક્સ ભર્યો હતો. નિયમિત કરદાતાઓને પ્રોત્સાહન મળી રહે અને વધુમાં વધુ કરદાતાઓ એડવાન્સ વેરો ભરવા માટે પ્રેરાય તેવા આશ્રય સાથે આગામી વર્ષમાં હવે છેલ્લાં ત્રણ વર્ષથી સતત મિલકત વેરા યોજના દરમિયાન સંપૂર્ણ વેરો ભરપાઇ કરનાર કરદાતાઓને મૂળ વળતર ઉપરાંત વધારાનું 1% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત 50%થી વધારે ડીસેબીલીટી ધરાવતા દિવ્યાંગ મિલકતધારકોને એડવાન્સ ટેક્સ ભરતા વધારાનું 5% વળતર આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેરા-વળતર યોજના અંતર્ગત એપ્રિલ અને મે માસમાં એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને વેરામાં 10%, મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં વિશેષ 5% સાથે કુલ 15% વળતર આપવામાં આવી રહ્યું છે. જ્યારે જૂન માસમાં અનુક્રમે 5% અને 10% વળતર આપવામાં આવે છે. ઓનલાઇન વેરો ભરનાર વિશેષ વળતર આપવામાં આવી રહ્યું છે. હવેથી એડવાન્સ ટેક્સ ભરનારને 11% વળતર મળશે.

Screenshot 5 17પુષ્કર પટેલે પાંચમીવાર બજેટ મંજૂર કર્યું: સૌથી વધુ બજેટ આપવાનો રેકોર્ડ વિજયભાઇના નામે

વર્ષ-2016, 2017, 2018, 2021 અને 2022ના અંદાજપત્રને આપી બહાલી: વર્ષ-2022-23નું બજેટ પણ તેઓ જ મંજૂર કરશે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ આજે વર્ષ-2022-23ના રૂા.2355.78 કરોડના બજેટને બહાલી આપી હતી. સૌથી વધુ વાર મહાપાલિકાનું બજેટ મંજૂર કરવાના રેકોર્ડમાં તેઓ બીજા ક્રમે પહોંચી ગયા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સૌથી વધુ સાત વખત મહાપાલિકાનું બજેટ મંજૂર કરવાનો રેકોર્ડ ધરાવે છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વર્ષ-1988 થી વર્ષ 1993 સુધી સત્તારૂઢ હતા ત્યારબાદ ફરી તેઓ 1995 થી 1996 સુધી ચેરમેન પદે રહ્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેઓએ સાત વખત બજેટ મંજૂર કર્યું હતું. વર્તમાન ચેરમેન પુષ્કરભાઇ પટેલ બજેટ મંજૂર કરવાના રેકોર્ડમાં બીજા ક્રમે પહોંચી ગયા છે.

આ અગાઉ તેઓએ ગત ટર્મમાં વર્ષ-2016-17, વર્ષ-2017-18, વર્ષ-2018-19માં બજેટને બહાલી આપી હતી. ચાલુ ટર્મમાં પણ તેઓએ વર્ષ-2021-22નું બજેટ મંજૂર કર્યું હતું અને આજે વર્ષ-2022-23ના બજેટને મંજૂરીની મહોર મારી છે. ચેરમેન તરીકે તેઓની અઢી વર્ષની ટર્મ સપ્ટેમ્બર-2023માં પૂર્ણ થઇ રહી છે એટલે કે તેઓને વર્ષ-2022-23નું બજેટ મંજૂર કરવાનો પણ મોકો મળશે.Screenshot 2 16

હોમી દસ્તુર રોડ પર રેલવે ટ્રેક નીચે નાલું બનાવાશે

બજેટમાં રૂા.3 કરોડની જોગવાઇ કરાઇ: ટૂંક સમયમાં નાલાની ડીઝાઇન તૈયાર કરાશે

શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે હોમી દસ્તુર રોડ પર આગળ રેલવે ટ્રેક નીચે નાલું બનાવવાની ઘોષણા આજે બજેટને બહાલી આપતી વેળાંએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં રૂા.3 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ટૂંક સમયમાં નાલાની નવી ડીઝાઇન તૈયાર કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા તાજેતરમાં લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જેના લીધે શહેરના ટાગોર રોડ, એસ્ટ્રોન નાલા અને હેમુગઢવી હોલ પાછળના નાલાનું ટ્રાફિક મહદઅંશે ઘટ્યું છે. પરંતુ શહેરની વસ્તી અને વાહનો સતત વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી ડો.હોમી દસ્તુર રોડથી આગળ રેલવે ટ્રેક નીચે વધુ એક નાલું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના લીધે મુખ્ય ત્રણ રોડ પર ટ્રાફીકનું ભારણ ઘટશે. નવા નાણાંકીય વર્ષના બજેટમાં આ કામ માટે રૂા.3 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

હોમી દસ્તુર રોડ પર આગળ રેલવે ટ્રેક નીચે નાલું બનાવાથી યાજ્ઞીક રોડ પરથી વાહન ચાલક સીધો જ પંચવટી રોડ પર નીકળી શકશે. આ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં ડીઝાઇન તૈયાર કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મીનગર બ્રિજને લાગૂ અલગ-અલગ ચાર રોડ પહોળા કરવા માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અમલમાં મુકવામાં આવી છે. આમ ચાર રોડ પહોળા તથા અને વધુ એક નાલું બનવાના કારણે ટ્રાફીકની સમસ્યામાં ઘણો સુધારો થશે.

Screenshot 8 12આરોગ્ય સેવાને મજબૂત બનાવવા પોર્ટેબલ એક્સ-રે મશીન અને મોબાઇલ લેબોરેટરીની સુવિધા

પોર્ટેબેલ એક્સ-રે મશીન ખરીદવા માટે બજેટમાં 25 લાખ અને મોબાઇલ લેબોરેટરી માટે 20 લાખની ફાળવણી

આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા માટે કોર્પોરેશન દ્વારા પોર્ટેબલ એક્સરે મશીન અને મોબાઇલ લેબોરેટરીની સુવિધાઓ વધારવામાં આવશે. ટીબી, ફેફ્સાના રોગ અને એક્સરે દ્વારા નિદાન કરી શકે તેવા ઘણા રોગમાં પ્રાથમિક તબક્કે નિદાન માટે આરોગ્ય કેન્દ્રો વચ્ચે એક પોર્ટેબલ એક્સરે મશીનની ખરીદી કરવામાં આવશે. જેના માટે 25 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ મશીન ડીજીટલ એક્સરે મશીનની માફક કામ કરે છે અને વજનમાં ખૂબ જ હળવું અને કદમાં નાનું હોય છે. જેનાથી એક સ્થળેથી બીજા સ્થળે આસાનીથી લઇ જઇ શકાય છે. પોર્ટેબલ મશીન દ્વારા ઝડપથી એક્સરે લઇ રોગની સ્થિતિ અને તુરંત નિદાન કરી શકાય છે.

ઘણા કેસમાં એવું બને છે કે દર્દી હોસ્પિટલ સુધી પહોંચી શકે ન હોય આવા સંજોગોમાં તેના રોગના નિદાન માટે લેબ રિપોર્ટ ખૂબ જ જરૂરી હોય છે. મોબાઇલ લેબની મદદથી અસંખ્ય દર્દીઓને લેબોરેટરી સેવાનો લાભ આપી શકાય છે. મોબાઇલ લેબોરેટરી શરૂ કરવા માટે 20 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

જેનાથી આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનશે. એક હરતી ફરતી લેબ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શરૂ કરવામાં આવશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા રોગોના નિદાનની માફક મોબાઇલ લેબોરેટરીમાં પણ રોગના ટેસ્ટીંગ માટેના સાધનો સહિતની કીટ તેમજ દર્દીના સેમ્પલ કલેક્શનથી લઇ સામાન્ય રિપોર્ટ સુધીની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવે ત્યારે મોબાઇલ લેબોરેટરી ખૂબ જ ઉપયોગી નીવડશે. જે માટે આગામી નાણાકીય વર્ષ-2022-23માં રૂા.20 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

મહિલાઓ માટે વોર્ડ વાઇઝ એરોબિક્સ સેન્ટર: બાળકો માટે સ્પોર્ટ્સ ફિએસ્ટા

મહિલાઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે તે માટે શહેરના તમામ વોર્ડમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુ માટેના એક પ્લોટમાં પેવિંગ બ્લોક નાંખી અહીં એરોબિક્સ સેન્ટર બનાવવામાં આવશે. બજેટમાં આ પ્રોજેક્ટ માટે રૂા.1.80 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

એરોબિક્સ સેન્ટરમાં હળવી કસરત, વ્યાયામ અને એરોબિક્સ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી શકાશે. વોર્ડ વાઇઝ એરોબિક્સ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવશે. વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે છેલ્લાં ઘણા સમયથી શાળા તથા કોલેજો બંધ છે તથા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. જેના કારણે તેઓ એક પ્રકારની હતાશા અનુભવી રહ્યા છે.

તેઓને નવું વાતાવરણ મળી રહે, રમતગમત પ્રત્યે રૂચિ કેળવાય અને ફિઝીકલી ફીટ રહે તે માટે જુદા-જુદા એસોસિએશનને સાથે રાખી વિવિધ રમતો માટે શહેરી કક્ષાની હરિફાઇ યોજવા માટે સ્પોર્ટ્સ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવશે. જેના માટે રૂા.25 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

રેસકોર્ષ સંકુલમાં 6 કરોડના ખર્ચે નવી આર્ટ ગેલેરી બનાવાશે

શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી તોડી પાડી અત્યાધુનિક સુવિધાથી સજ્જ મોટી આર્ટ ગેલેરીનું નિર્માણ કરાશે: કનક રોડ ફાયર સ્ટેશનનું પણ રિનોવેશન થશે

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ગુજરાતભરના કલાકારો પોતાની કલા રજૂ કરવા માટે આવતા હોય છે. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષમાં શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગેલેરી હાલ ખૂબ જ નાની પડી રહી છે. એટલું જ નહીં એક સમયે એક જ કાર્યક્રમ કરી શકાય છે. કલાકારોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના શાસકો દ્વારા હવે 6 કરોડના ખર્ચે નવી આર્ટ ગેલેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હયાત શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીને સંપૂર્ણપણે તોડી પાડી અહીં અત્યાધુનિક સુવિધાથી સજ્જ આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયની જરૂરીયાતને ધ્યાને રાખી શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું નવનિર્માણ કરી અદ્યતન સુવિધાસભર બનાવવામાં આવશે. આ માટે ડિઝાઇન તથા એસ્ટીમેન્ટ તૈયાર છે.

કુલ 6 કરોડનો ખર્ચો થવાનો અંદાજ છે. આગામી બે માસ ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે. નાણાકીય વર્ષ-2022-23માં સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી રૂા.2.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કોર્પોરેશનની મુખ્ય કચેરીની પાછળ કનક રોડ પર આવેલા મુખ્ય ફાયર સ્ટેશનનું પણ રિનોવેશન કરવામાં આવશે. આ માટે 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આઇટી ઇનેબલ્ટ રાજકોટ: વર્ચ્યુઅલ સિવિક સેન્ટરની સુવિધા

કોર્પોરેશનની તમામ સેવાઓ હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાશેScreenshot 6 18

ઇ-ગવર્નન્સના વ્યાપ સાથે નાગરિકાને વધુ સારી સેવા મળી રહે તે માટે તેમજ વધતા જતા શહેરીકરણથી ઉદ્ભવતા પડકારો અને વહીવટી જરૂરીયાતોનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિરાકરણ કરવા, વહીવટીમાં સરળતા, ઝડપ અને પારદર્શિતા માટે સ્માર્ટ સિટી અંતર્ગત “આઇટી ઇનેબલ્ડ રાજકોટ” બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી સેવાઓ મેળવવા માટે શહેરીજનોએ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફીસ/ઝોનલ ઓફિસ પર રૂબરૂ મુલાકાત લેવી પડે છે. આ તમામ સેવાઓને એક જ ડીજીટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક વર્ચ્યુઅલ સિવિલ સેન્ટર બનાવવામાં આવશે.

આ વર્ચ્યુઅલ સિવિક સેન્ટરમાં શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાની જુદીજુદી સેવાઓ મેળવવા માટે ફીઝીકલ ડોક્ટુમેન્ટ સબમીટ કરવાને બદલે તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી, રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર જાતે અપલોડ કરી શકશે. આ પધ્ધતિથી લોકોને ઘર બેઠા રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી સેવાઓ માટે ઓનલાઇન એપ્લીકેશન કરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ શરૂ થવાથી શહેરીજનો પ્રોપર્ટી ટેક્સ, વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન, પ્રોફશન ટેક્સ, કોમ્યુનીટી હોલ બુકિંગ, લગ્ન, શોપ, ફરિયાદ વિગેરે રજીસ્ટ્રેશન કરી શકશે તેમજ તેનું ઓનલાઇન ટ્રેકિંગ પણ કરી શકશે. જે માટે આગામી નાણાકીય વર્ષ-2022-23માં રૂા.10 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. અત્રે એ નોંધવુ જરૂરી છે કે નાણાકીય વર્ષ-2021-22ના બજેટમાં કોલ સેન્ટર અપગ્રેડેશન આરએમસી ઓન વ્હોટએપ્પ માટે અનુક્રમે રૂા.25 લાખ તથા રૂા.100 લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ. પરંતુ ઇ.ડી.પી. વિભાગના પ્રયત્નોથી આ માટેના સોફ્ટવેર “ઇનહાઉસ” બનાવવામાં આવેલ છે, જેને લીધે રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂા.1.25 કરોડની બચત થયેલ છે.

રેલનગર અન્ડરબ્રિજમાં લીકેજ સાંધવા ટેકનિકલ સર્વે

સર્વેની કામગીરી માટે બજેટમાં કરાઇ 1 કરોડની જોગવાઇ

કોર્પોરેશન દ્વારા રેલવે વિભાગની સાથે મળીને શહેરના રેલનગર વિસ્તારમાં અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અન્ડરબ્રિજ ચોમાસાની સિઝનમાં સ્વિમીંગ પુલ બની જતો હોય છે. એક વરસાદ પડે કે તરત જ બ્રિજની સાઇટની દિવાલોમાંથી પાણી લિકેજ થવા માંડે છે. રેલનગર અન્ડરબ્રિજનો ઉપયોગ દિવસ દરમિયાન હજારો લોકો કરે છે. ચોમાસામાં પાણી લીકેજની સમસ્યાના કારણે છાશવારે અકસ્માતો પણ સર્જાય છે. બ્રિજની ફરતે રેલવેની પડતર અને ખૂલ્લી જમીન હોવાના કારણે પાણી લીકેજ સમસ્યા રહે છે જેનું કાયમી નિરાકરણ લાવવા માટે ટેકનીકલ સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે બજેટમાં રૂા.1 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અધિકારીઓની આળસનો આવશે અંત: ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ અમલી બનાવાશે

પારદર્શક અને ઝડપી વહીવટી માટે ફાઇલોનું ઓનલાઇન રિયલ ટાઇમ મોનીટરીંગ પણ કરી શકાશેScreenshot 7 15

કોર્પોરેશનમાં વહીવટી પારદર્શિતા લાવવા માટે ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ-2022-23માં 10 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ પધ્ધતિની અમલવારીથી લોકો પોતાના પ્રશ્ર્નોની લગત ફાઇલ કચેરીમાં ક્યાં તબક્કે પહોંચી છે તે ઓનલાઇન જોઇ શકશે અને મુવમેન્ટ પણ જાણી શકશે. ફાઇલ શોધવા અને તેના પર નિર્ણયની માહિતી પણ આસાનીથી મેળવી શકાશે.

ઉચ્ચ અધિકારીઓ પણ તમામ પ્રકારની ફાઇલો ઓનલાઇન રિયલ ટાઇમ મોનીટરીંગ કરી શકશે. જેથી વહીવટી પારદર્શિતા વધશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ઝડપથી તેમજ સમયબધ્ધ રીતે કરી શકાશે. આ ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ ઇ.આર.પી. સિસ્ટમ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે જેથી અન્ય કામગીરી તેમજ પ્રોજેક્ટ પણ આ સાથે મોનીટર થઇ શકશે. જે માટે આગામી નાણાકીય વર્ષ-2022-23માં રૂા.10 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

પહોંચ પ્રથા બંધ: સ્થળ પર વહીવટી ચાર્જ વસૂલવા હવે કરાશે ડીવાઇસનો ઉપયોગ પે એન્ડ પાર્કિંગ માટે પણ આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે: 50 લાખ ફાળવાઇ

મહાપાલિકા દ્વારા જુદા-જુદા પ્રકારની વહીવટી ચાર્જની વસૂલાત સ્થળ પર કરવામાં આવી રહી છે. જેમાં જે-તે વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થળ પર અરજદારને મન્યુઅલ પહોંચ બુક પરથી રસિદ આપવામાં આવે છે. હાલમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, એએનસીડી, દબાણ હટાવ, પાર્કિંગ વિભાગ દ્વારા આ પ્રકારની વસૂલાત કરવામાં આવી રહી છે. હવે તમામ પ્રકારની વસૂલાત હેન્ડ હેલ્ડ ડીવાઇસ દ્વારા કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવશે અને તેને કોર્પોરેશનના સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ કરવામાં આવશે જેથી હાલમાં સ્થળ પર થતી વસૂલાતની કામગીરી પારદર્શી તેમજ ઝડપી બનશે તેમજ વસૂલાત થયા અંગેની રિસીપ્ટ અરજદારના મોબાઇલ પર આવી જશે. પે એન્ડ પાર્કિંગ માટે પણ આ પ્રકારની વ્યવસ્થા આવવાથી પાર્કિંગ સાઇટના ખરેખર ઉપયોગની રિયલ ટાઇમ માહિતી મળી શકશે. નાણાકીય વર્ષ-2022-23માં આ પ્રોજેક્ટ માટે 50 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.