• અનુપમા ટીવી સિરિયલમાં ‘બા’નું પાત્ર નિભાવનાર અલ્પના બૂચની ઉપસ્થિતિમાં મહિલોએ ફેશન શોમાં કર્યું રેમ્પ વોક

ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ રાજકોટની બે મહિલાઓ દ્વારા “ગર્વ છે ગુજરાતી છું” કાર્યક્રમની,હેમુગઢવી હોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં ટેલિવિઝનની નંબર વન લોકપ્રિય સિરિયલ ’અનુપમા’ માં સાસુનું પાત્ર નિભાવનાર લીલા શાહ એટલે કે બા ઉર્ફે શ્રીમતી અલ્પના બૂચ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત ગૃહિણી અને અન્ય મહિલાઓએ ભાતીગળ ગુજરાતી પહેરવેશ પહેરીને ફેશન શો માં ભાગ લીધો હતો. કોઈ જ તાલીમ કે પ્રેક્ટિસ વગર જુદી જુદી ઉંમરની મહિલાઓએ ગુજરાતી પહેરવેશ પહેરી ગુજરાતનું ગૌરવ વધારવા રેમ્પવોક કર્યું હતુ. ઘરચોળા, પટોળાં,બાંધણી,ચણીયા ચોલી વગેરે પોશાકમાં ઉપસ્થિત મહિલાઓ દ્વારા સ્ટેજ પર  જાણે નાનકડું ગુજરાત રચાઈ ગયું હતુ.ઓડિયન્સ પણ સાડી પહેરીને આવેલ મહિલાઓથી શોભતું હતું.

“ગર્વ છે ગુજરાતી છું” કાર્યક્રમ દ્વારા ફર્સ્ટ બ્રેકિંગ ડિજિટલ ન્યુઝના ભાવના દોશી,એચ. કે. ક્લબના પારુલ શાહ અને સરગમ ક્લબ દ્વારા ગૌરવવંતી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ,ડેપ્યુટી મેયર  કંચન બેન સિદ્ધપુરા,ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, કોર્પોરેટર ડો.દર્શનાબેન પંડ્યા,આઉટ ઓફ ધ બોક્સના સુજીત ભાઈ રૂપારેલિયા, આર જે નૂપુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના આરંભમાં કિશન ગઢવીએ દુહા છંદ રજૂ કર્યા હતા અને ત્યાર પછી ફેશન શોના અલગ અલગ રાઉન્ડમાં અમદાવાદ થી આવેલ શો સ્ટોપર પલ કારિયા એ ચાર ચાંદ લગાવી દીધા હતા આ ઉપરાંત નીપા દવે અને તેની ટીમે રાસગરબાની રમઝટ જમાવી હતી.”ગર્વ છે ગુજરાતી છુ”, “જય જય ગરવી ગુજરાત”,”આઇ લવ ગુજરાત ” જેવા સ્લોગન સાથે મહીલાઓએ રેમ્પ વોક કર્યું હતું.કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર હતા ગુજરાતનું ગૌરવ વધારનાર શ્રીમતી અલ્પના બૂચ.ઢોલીના તાલ અને રાવણહત્થાના સુર અને ગુલાબની પાંખડીઓ સાથે અનુપમા સિરિયલની ધૂન વગાડી તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું.ઓડિયન્સમાં ઉપસ્થિત લોકોએ ઊભા થઈ તાલીઓના ગડગડાટ સાથે તેમનું અભિવાદન કર્યું હતું.અલ્પના બેન બુચ સાથે  ઉપસ્થિત મહિલાઓએ પ્રશ્નોતરી પણ કરી હતી.તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “પોતે ગુજરાતી છે તેનું તેઓને ગૌરવ છે ,આજે પણ કેટલાય ઘરોમાં અનુપમા અને લીલા શાહ જેવા પાત્રો જીવે છે,જો કે લીલા શાહ એટલે કે બા જેવા પાત્રો થી જ આપણાં પરિવારોમાં સંસ્કારો જળવાઈ રહ્યા છે.મહિલાઓની પરિસ્થિતિ વિશે તેઓએ જણાવ્યું હતું કે મહિલાઓ ગમે તે પદ પર પહોંચે પરંતુ ઘરની જવાબદારી તો નિભાવવી જ પડે છે” અભિનેત્રી ન હોત તો તેઓ શું હોત તેના જવાબમાં પોતે ગૃહિણી હોત તેમ જણાવ્યું હતું.રાજકોટ વિશે તેઓએ અભિપ્રાય આપતા જણાવ્યું કે અહીંના લોકો નિરાંત જીવે જીવન જીવે છે થોડા આરામપ્રિય છે અને લાગણીશીલ છે.તેઓએ આટલા સુંદર કાર્યક્રમ બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા.કાર્યક્રમ માં ઉપસ્થિત સહુ કોઈના મુખે આ અલગ અનેરા અને ગર્વ થાય તેવા કાર્યક્રમની પ્રશંસા હતી.આ સુંદર કાર્યક્રમની યાદગીરી માટે અલ્પના બૂચ સાથે લોકોએ ઉત્સાહપૂર્વક સેલ્ફી ફોટોગ્રાફ પડાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.