રાજકોટ: ઈન્દિરા સર્કલ પાસે મકાનમાથી મહિલા સંચાલિત જુગારધામ પકડાયું

રોટલાને ટીપવાના બદલે પતા ટીંચતા 70 વર્ષિય વૃધ્ધા સહિત 10 મહિલા ઝડપાઈ

શહેરના ગણાતા પોશ વિસ્તાર ઈન્દિરા સર્કલ પાસે આવેલી સંતોષ ડેરી પર પારિતોષ એપાર્ટમેન્ટમા મહિલા સંચાલીત જુગારધામ પકડાયું છે. જેમાં 10 મહિલાની ધરપકડ કરી રૂ. 33460નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ શહેરના ઈન્દિરા સર્કલ નજીક પારિતોષ એપાર્ટમેન્ટમાં રહેતા ગીતાબેન કિરણ ઠકકર નામના મહિલા જુગાર રમાડતા હોવાની યુનિ. પોલીસ મથકના કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા ગીતાબેન ઠકકર, પ્રફુલાબેન કિશોર દક્ષીણી, જશુબેન લાલજી પટેલ, કુસુમબેન શશી વિકાણી, અર્પિતાબેન  ભાવેશ ફળદુ, જયદેવીબેન શાંતી લાડાણી, જોશનાબેન અરવિંદ રંગાણી, શારદાબેન પ્રફુલ ગોધાણી, નિરૂબેન  શાંતી કાથરોટીયા અને  અરૂણાબેન અરવિંદ નથવાણીની  ધરપકડ  કરી જુગારના પટમાંથી રોકડા રૂ. 33460નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી છે.