Abtak Media Google News

જાહેરમાં આરોપીને ઉઠક-બેઠક કરાવવી, કુકડો બનાવવો, દોરડે બાંધી સરઘસ કાઢવા ઉપર પાબંધી :કાયદાનો ભંગ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજય સરકારને હાઈકોર્ટનો આદેશ :હાઈકોર્ટનાં આદેશથી આરોપીઓમાં રહેલો પોલીસનો ભય ઉડી જાય તેવી ભીતિ

હાઈકોર્ટ દ્વારા આજે મહત્વનો આદેશ આપ્યો છે જેમાં આરોપીઓનાં સરઘસ કાઢનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાં હાઈકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટે જાહેરમાં આરોપીઓને ઉઠક-બેઠક કરાવવી, કુકડો બનાવવો, દોરડેથી બાંધી સરઘસ કાઢવા ઉપર પાબંધી ફરમાવી છે ત્યારે બીજી તરફ હાઈકોર્ટનાં આ આદેશથી આરોપીઓને રહેલો પોલીસનો ભય ઉડી જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટે આજે આરોપીઓનાં જાહેરમાં સરઘસ કાઢવા સહિતની કાર્યવાહી કરનાર સામે પગલા લેવા રાજય સરકારને આદેશ આપ્યો છે જેની સામે સરકારે કોર્ટને ખાતરી આપી છે કે, કાયદાને હાથમાં લેનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ રહી છે સાથે જ કોર્ટમાં કરાયેલી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો હતો. હાઈકોર્ટનાં આ આદેશનાં પગલે પોલીસ આરોપીઓનું જાહેરમાં દોરડે બાંધીને સરઘસ કાઢી શકશે નહીં ઉપરાંત આરોપીઓને ઉઠક-બેઠક તેમજ જાહેરમાં મારમારવા સહિતની અપમાનજનક કાર્યવાહી કરી શકશે નહીં.

સામે સરકારે કોર્ટને વિશ્ર્વાસ આપ્યો કે કાયદાને હાથમાં લેનારા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આવા ૧૦ કેસ સામે આવ્યા છે. તમામ અધિકારી સામે પગલા લેવાયા છે અને તેની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં પણ આવી છે. ઉપરાંત સરકાર આરોપીઓ સામે જાહેરમાં કરવામાં આવતી અપમાનજનક કાર્યવાહી સામે સરકયુલર બહાર પાડશે જેમાં કોઈપણ પ્રકારે જાહેરમાં આરોપીઓનાં સરઘસ કાઢવા સામે થનારી કાર્યવાહીને જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રીઢા ગુનેગારોને સબક શીખડાવવા માટે પોલીસ દ્વારા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી તેની પાસે જાહેરમાં માફી પણ મંગાવે છે. આમ જેલવાસથી ન ડરતાં આરોપીઓ પોલીસનાં સરઘસ અને મારથી ડરતા હોય છે પરંતુ હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે તેનાથી એવી ભીતિ પણ સેવાઈ રહી છે કે, જો આરોપીઓ સામે સરઘસ અને માર સહિતની કાર્યવાહી બંધ કરી દેવામાં આવશે તો આરોપીઓનાં મનમાંથી પોલીસનો ડર ઉઠી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.