Abtak Media Google News

પીઓકેનો પ્રશ્ન ઉકેલ્યા પૂર્વે ભારત અફઘાનના પ્રશ્નમાં દખલ દેશે? 

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આ વચ્ચે અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માંગી છે. મંગળવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમારએ પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે ફોન પર વાત કરી છે. તેમણે જયશંકરને પોતાના દેશમાં તાલિબાન દ્વારા ચાલી રહેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી છે. જો કે ભારતે આ બેઠક માટે વાટાઘાટાઓ શરૂ કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક બોલાવવાનો પ્રસ્તાવ મુકાયો, ભારતે પણ વાટાઘાટો શરૂ કરી

અફઘાન વિદેશ મંત્રાલયે કહ્યુ કે અતમારે યુદ્ધગ્રસ્ત દેશમાં તાલિબાન અને વિદેશી આતંકવાદી સમૂહોના હુમલાથી ઝડપથી ખરાબ થઈ રહેલી સ્થિતિ વિશે વાત કરી છે. સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાનું આહ્વાન કર્યુ છે. અતમારે ટ્વીટ કર્યુ- ભારતીય વિદેશ મંત્રી ડો. જયશંકરની સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાનું આહ્વાન કર્યુ છે. અને તે વિશે ચર્ચા કરી છે.

તેમણે કહ્યુ- સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુહને તાલિબાનની હિંસા અને અત્યાચારથી સામે આવી રહેલી ત્રાસદીને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવવી જોઈએ. સુરક્ષા પરિષદના અધ્યક્ષના રૂપમાં ભારતના પ્રયાસની પ્રશંસા કરુ છું. મહત્વનું છે કે ભારત ઓગસ્ટ મહિના માટે સુરક્ષા પરિષદનું અધ્યક્ષ છે.

અફઘાન વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરી કહ્યું- વિદેશી લડાકો અને આતંકવાદી સમૂહો સાથે મિલીભગતથી કરવામાં આવી રહેલા તાલિબાની હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને ક્ષેત્રની સ્થિરતા અને સુરક્ષા પર તેમના સંભવિત પરિણામો વિશે વાત કરી. અતમારે જયશંકર સાથે તાલિબાન અને વિદેશી આતંકવાદી સમૂહો તરફથી વધતી હિંસા તથા માનવાધિકારોના વ્યાપક ઉલ્લંઘન પર વાત કરી છે.

તેમણે પ્રસ્તાવ આપ્યો કે અફઘાનિસ્તાનમાં હિંસાની તત્કાલ સમાપ્તિ પર ધ્યાન આપવાની સાથે સુરક્ષા પરિષદની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવે. અફઘાન વિદેશમંત્રીએ કહ્યુ કે, જયશંકરે અફઘાનિસ્તાનમાં હિંસા અને માનવાધિકારોના ઉલ્લંઘનના વધતા મામલા પર ભારત તરફથી ચિંતા વ્યક્ત કરી અને દેશમાં શાંતિ લાવવા માટે પગલા ભરવાનું આહ્વાન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.