Abtak Media Google News

મુખ્ય કાર્યક્રમ નવા રેસકોર્સમાં યોજાશે: એર શો માટે જિલ્લા વહિવટી તંત્ર સિવિલ એવિએશન વિભાગનાં સતત સંપર્કમાં: ઉજવણીમાં સામેલ થવા નેતાઓ, અધિકારીઓ સહિતનાં મહાનુભાવોનાં ધાડેધાડા ઉતરશે

મ્યુઝીકલ નાઈટ, હેન્ડીક્રાફટ એકસ્પો, મેગા બ્લડ ડોનેશન કેમ્પ, મહિલા સંમેલન, યુવા સંમેલન, ઈન્ડસ્ટ્રીઝનું સંમેલન, ખેડુત સંમેલન, મશાલ રેલી, હોર્સ શો, દિવ્યાંગો માટે ઉમંગોત્સવ, યોગ ઉત્સવ સહિતનાં કાર્યક્રમો યોજાશે

રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી થવાની છે. આ ઉજવણી દરમિયાન એર શો યોજવાનું પણ આયોજન ઘડવામાં આવી રહ્યું છે. વધુમાં મ્યુઝીકલ નાઈટ, હેન્ડીક્રાફટ એકસ્પો, મેગા બ્લડ ડોનેશન કેમ્પ, મહિલા સંમેલન, યુવા સંમેલન, ઈન્ડસ્ટ્રીઝનું સંમેલન, મશાલ રેલી, હોર્સ શો, દિવ્યાંગો માટે ઉમંગોત્સવ, યોગ ઉત્સવ સહિતનાં કાર્યક્રમો પણ યોજાવાના છે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને પ્રજાસતાક પર્વની ઉજવણી માટે ચાલતી તૈયારીની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્ય કાર્યક્રમ નવા રેસકોર્સ ખાતે યોજાવાનો છે. હાલ સિવિલ એવિએશન વિભાગ સાથે એર શોનાં આયોજન અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. જો એર શોનો કાર્યક્રમ ફાઈનલ થશે તો શહેરીજનોને ફાઈટર પ્લેનનાં વિવિધ કરતબોનો અદ્વિતીય નજારો જોવા મળશે. વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું કે તા.૧૮ થી જ પ્રજાસતાકની ઉજવણી સંદર્ભનાં કાર્યક્રમો શરૂ થઈ જશે. દરરોજ અવનવા કાર્યક્રમો યોજાશે. હાલ મહિલા સંમેલન, યુવા સંમેલન, ખેડુત સંમેલન, દિવ્યાંગો માટે ઉમંગોત્સવ, યોગ ઉત્સવ સહિતનાં કાર્યક્રમો ફાઈનલ થયા છે. આ સાથે જિલ્લાભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને શાસ્ત્રીમેદાનમાં હેન્ડીક્રાફટ અને હેન્ડલુમનો એકસ્પો યોજાનાર છે. મ્યુઝીકલ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે અંગે ગાંધીનગરથી ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર છે. આ ઉપરાંત હોર્સ શો અને મશાલ રેલી સહિતનાં કાર્યક્રમોનું આયોજન પણ ઘડાઈ રહ્યું છે.

વિસ્તૃત વિગતો આપતા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે, દિવ્યાંગો માટે યોજાનાર ઉમંગોત્સવ રાજયકક્ષાનો કાર્યક્રમ હશે તેમાં ૪૦૦થી વધુ દિવ્યાંગો ભાગ લઈને વિવિધ કૃતિઓ રજુ કરશે. ઉજવણી દરમિયાન સિવિલનાં અદ્યતન બિલ્ડીંગ અને એસટી બસ પોર્ટનું લોકાર્પણ થાય તેવા પણ પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ઉજવણી રાજયકક્ષાની હોય તેમા સામેલ થવા નેતા અને અધિકારી સહિતનાં મહાનુભાવોનાં રાજકોટમાં ધાડેધાડા ઉતરવાના છે.

લોકો ઘરે-ઘરે દીવો પ્રગટાવી ઉજવણીમાં સ્વયંભૂ જોડાય: કલેકટર

જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેર અનુરોધ કરતા જણાવ્યું હતુ કે રાજકોટમાં રાજય કક્ષાનાં પ્રજાસતાક પર્વની ઉજવણી થવાની છે. અનેકવિધ કાર્યક્રમો યોજાવાના છે. આખા જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાવાનો છે. ત્યારે લોકો પોતાના ઘરે દિવો પ્રગટાવીને સ્વયંભૂ આ ઉજવણીમાં સામેલ થાય તેવી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

વેપારી મંડળો, સંસ્થાઓ ઉજવણીમાં થશે સામેલ બજારો રોશનીથી ઝળહળશે

જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને ગઈકાલે વેપારી મંડળો, સંગઠનો અને સામાજીક સંસ્થાઓ સાથે બેઠક યોજવામા આવી હતી. જેમાં તમામ સંગઠનો, સંસ્થાઓ અને મંડળોને ઉજવણીમાં સામેલ થવાનું આહવાન કરવામાં આવ્યું હતુ વેપારી મંડળે નિર્ણય લીધો હતો કે તેઓ આ ઉજવણીમાં જોડાશે અને બજારોમાં રોશનીનો ઝગમગાટ કરી દિવાળી જેવો માહોલ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.