Abtak Media Google News

દેશના રાજકીય, સામાજીક, ધાર્મિક સહિતની ચળવળનું કેન્દ્રબિંદુ એવા મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં મોટો રાજકીય ખેલ ખેલાયો હતો જેમાં ખંધા રાજકારણી ગણાતા શરદ પવારે પોતાના ભત્રીજા અજીત પવારને ભાજપ સાથે મોકલીને ૭૫ કલાક માટે ફડણવીસ સરકાર રચાવી હતી આ ૭૫ કલાકમાં અજીત દ્વારા પોતાના સુધી પહોચતા સિંચાઈ કૌભાંડના કેસો બંધ કરાવ્યા હતા જે બાદ કોંગ્રેસ સાથે મળીને શિવસેનાની ઉધ્ધવ સરકારને ટેકો આપીને શરદ પવાર કીંગમેકરની ભૂમિકામાં આવી ગયા હતા. આ રાજરમતમાં ભાજપનો મ્હાત આપનારા શરદ પવારે હવે પોતાના ભત્રીજા અજીત પવારને નાયબ મુખ્યમંત્રીપદ અપાવવા કમર કસી છે.

મહારાષ્ટ્રમાં એક માત્ર જૂની ઉધ્ધવ ઠાકરે સરકારના મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ ૩૦ ડીસેમ્બરે થના‚ છે.જેમાં એનસીપીના વરિષ્ટ નેતા અને ભાજપના ‘પાવર’ ખેંચી નાખનારા અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદ અપાઈ તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. જોકે, આઅંગે આખરે નિર્ણય શરદ પવાર કરશે તેમ એનસીપીના વરિષ્ટ નેતાઓએ જણાવ્યું હતુ. અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદ અપાઈતો તેમને ગૃહ, પાણી પૂરવઠા, નાણા સહિતના મહત્વપૂર્ણ ખાતાઓ ફાળવવામાં આવે તેવી એનસીપીની ઈચ્છા છે જોકે, અજીત પવારને ગૃહ મંત્રાલય આપવા સામે શિવસેનાને વાંધો છે. કારણ કે ગૃહમંત્રાલય હાલમાં શિવસેના પાસે છે. અને શિવસેના તેને જાળવી રાખવા માંગે છે.

7537D2F3 20

૨૭મી નવેમ્બરે મુંબઈના શિવાજી પાર્કમાં શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારે તેમની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના બે બે મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં શરદ પવારે વ્યુહાત્મક રીતે અજીત પવારને બાકાત રાખ્યા હતા. એનસીપી વતી જયંત પાટીલ અને છગન ભૂજબળે મંત્રી પદના શપથ લીધા હતા.

હાલમાં ઉધ્ધવ સરકારમા ગૃહમંત્રી શિવસેનાના વરિષ્ટનેતા એકનાથ સિંદે પાસે છે. જોકે એનસીપી અજીત પવારને નાયબ મુખ્યમંત્રી અપાવીને તેમને ગૃહમંત્રાલય ફાળવવામાં આવે તેવી માંગણી કરી રહ્યું છે. અજીત પવાર પણ ગૃહ અને પાણી પૂરવઠા જેવું મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા ઈચ્છી રહ્યા છે. જેથી, આગામી દિવસોમાં અજીત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેમને ગૃહ મંત્રાલય ફાળવવાના મુદે શિવસેના અને એનસીપી વચ્ચે ગ્રજગ્રાહ થાય તેવી સંભાવના રાજકીય પંડિતો વ્યકત કરી રહ્યા છે. જેથી વિરોધી વિચારધારા ધરાવતી રાજકીય પાર્ટીઓની બનેલી ઉધ્ધવ સરકાર પાંચ વર્ષ માટે સત્તાની વૈતરણી પાર પાડશે કે કેમ ? તે સામે પ્રશ્ર્નાર્થ ઉભો થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.