Abtak Media Google News

વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં રૂા.૪૨.૫૦ કરોડનાં ખર્ચે બનશે ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ: ૮૦ હજાર લોકોને પાણીની સમસ્યામાંથી મળશે મુકિ

કોર્પોરેશનમાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસનાં સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનાં ઉગ્ર વિરોધ વચ્ચે તમામ ૪૩ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હતી અને રૂા.૫૪.૧૬ કરોડનાં વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. શહેરનાં વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં જેટકો ચોકડી ખાતે નવો ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે રૂા.૪૨.૫૦ કરોડનાં ખર્ચને બહાલી અપાઈ છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૪૩ દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. શહેરનાં વોર્ડ નં.૧૨માં ૮૦ હજાર લોકોને નિયમિત અને શુઘ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે મવડી વિસ્તારમાં જેટકો ચોકડી પાસે ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે રૂા.૪૨.૫૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. મહાપાલિકામાં ભળેલા મવડી, વાવડી સહિતનાં વિસ્તારોમાં ટ્રેકટર અને ટેન્કરનાં બદલે પાઈપલાઈનથી પાણી પુરુ પાડવા માટે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

નવી ડી.આઈ પ્રકારની અદ્યતન ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નાખવામાં આવશે જેનાથી વાવડી વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકોને પુરા પ્રેશરથી પાણી મળી રહેશે. આ પ્રોજેકટનો ખર્ચ સરકારની અમૃત યોજના હેઠળ કરવામાં આવ્યો છે. ૯.૪ એમએલ જીએસઆર, ૧૫.૬ એમએલ ક્ષમતાનો અન્ય એક જીએસઆર મળી કુલ ૨૫ એમએલ ક્ષમતાનાં બે જીએસઆર બનાવવામાં આવશે જયારે ૩ એમએલ ક્ષમતાનો એક ઈએસઆર બનાવવામાં આવશે. સંલગ્ન પંપ હાઉસ અદ્યતન ૦ લીકવીડ ડિસ્ચાર્જ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે જેનાથી પાણીનો વેડફાટ અટકશે. પીએલસી તથા સ્કાડા ટેકનોલોજી સંચાલિત ઓટો મેશન ધરાવતા આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રહેશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ડ્રેનેજનાં કામો માટે આજે સ્ટેન્ડિંગમાં રૂા.૪.૩૧ કરોડ, વોટર વર્કસનાં કામો માટે રૂા.૪૪.૯૧ કરોડ, રસ્તાનાં કામ માટે રૂા.૭૫.૭૯ લાખ, સોલીડ વેસ્ટનાં કામ માટે રૂા.૪૭ લાખ, જિલ્લા ગાર્ડન ખાતે શાળાનું નવું મકાન બનાવવા રૂા.૨.૫૭ કરોડ સહિત રૂા.૫૪.૧૬ કરોડનાં વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીનાં કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ અલગ-અલગ ૬ દરખાસ્તોનો વિરોધ કર્યો હતો જેમાં મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં ટેન્ડર વિના કરવામાં આવેલા આડેધડ ખર્ચ, ભુગર્ભ ગટરની ફરિયાદનાં નિકાલ માટેનાં કોન્ટ્રાકટમાં ચુકવાતી તગડી ઓન સહિતની દરખાસ્તનો સમાવેશ થતો હતો જોકે શાસકોએ કોંગ્રેસનાં વિરોધને અવગણી બહુમતીનાં જોરે તમામ ૪૩ દરખાસ્તોને બહાલી આપી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.