Abtak Media Google News

ગુજરાતમાં દલીતો પર હત્યાના બનાવમાં ૩૨ ટકા સુધીનો ઘટાડો: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

અમરેલી જિલ્લાના વરસરડા ગામના દલિત સરપંચની હત્યાના બનાવ બાદ રાજય સરકારે રાજયના તમામ ૩૩ જિલ્લામાં એસસી અને એસટી સેલ શ‚ કર્યા હોવાનું જાણવા મળે છે. સરકારે આવા બનાવોની તપાસ માટે ચાર કમિશ્નર કક્ષાના અધિકારીઓની નિમણૂંક પણ કરી છે.

વિધાનસભામાં દલિત સરપંચની હત્યા મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર દ્વારા પાસ કરાયેલા નવા એટ્રોસિટી નિયમોના અમલીકરણ માટે પણ પગલા લીધા છે. ભાજપના શાસનમાં દલિતો પર અત્યાચાર વધ્યા હોવાના આક્ષેપનું ખંડન કરવામાં આવ્યું હતું.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં દલિતોની હત્યાના કિસ્સા આગલા વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૧૫માં ૩૨ ટકા ઘટી ગયા છે. વર્ષ ૨૦૧૪માં દલિત સમાજના ૨૫ લોકોની હત્યા થઈ હતી. જયારે ૨૦૧૫માં આવા ૧૭ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૫માં દેશભરમાં ૭૦૭ દલિતોની હત્યાના સંબંધે કેસ નોંધાયા હતા. જેમાં માત્ર ૧૭ જ ગુજરાતના હતા. આ કેસની ટકાવારી માત્ર ૨.૪૦ ટકા જ છે.

તેમણે સદનમાં કહ્યું હતું કે, એસસી, એસટી એકટ હેઠળ વર્ષ ૨૦૧૫માં દેશમાં ૪૫૦૦૩ કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં માત્ર ૧૦૪૬ કેસ જ ગુજરાતના હતા. જે કુલ કેસના માત્ર ૨.૩૨ ટકા જ છે. સરકારે એસસી, એસટી માટે ખાસ સેલની રચના તમામ જિલ્લામાં કરી છે. આ ઉપરાંત ચાર આયોગની રચના પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.

કોંગ્રેસના એમએલએ શૈલેષ પરમાર દ્વારા દલિતો પરના અત્યાચાર મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી હતી. તેમણે રાજયમાં દલિત સમાજ ઉપર અત્યાચાર વધ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, વરસરડા ગામના દલિત સરપંચ જયસુખ માધડની ગામમાં રાજકીય ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા તા.૨૮ ફેબ્રુઆરીના રોજ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરનાર ત્રણેય આરોપીઓને માત્ર ત્રણ દિવસમાં જ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પીડિતના પરિવારને સરકાર દ્વારા ૪,૩૦,૫૦૦નું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.