Abtak Media Google News

અમરનાથ યાત્રા માટે બુધવારે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર બેસ કેમ્પથી યાત્રીઓનું પહેલું ગ્રૂપ રવાના થયું છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, રાજ્યપાલના સલાહકાર બીબી વ્યાસ અને વિજય કુમારે યાત્રાળુઓને લીલી ઝંડી બતાવીને આ યાત્રાની શરૂઆત કરાવી છે. આ પહેલાં જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરાએ સુરક્ષાબળો સાથે બેઠક કરી હતી. આ વખતે અમરનાથ યાત્રા 40 દિવસ ચાલશે. આજથી શરૂ થયેલી યાત્રા 26 ઓગસ્ટે પૂરી થશે.

રાજ્યપાલના સલાહકાર વિજય કુમારે કહ્યું કે, અમરનાથ યાત્રાનું ઘણું મહત્વ છે. સામાન્ય લોકો, સુરક્ષા એજન્સીઓ અને વિકાસ એજન્સીઓની મદદથી અમે બધી જ તૈયારીઓ કરી લીધી છે. યાત્રીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં વધારે સુધારો કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક સામાન્ય રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રા માટે અત્યાર સુધી 2 લાખ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

અમરનાથ શ્રાઈન બોર્ડના સીઈઓ ઉમંગ નરુલાએ જણાવ્યું કે, યાત્રા માટે લોકો નક્કી કરેલી બેન્કો દ્વારા જ રજિસ્ટ્રેશન કરાવે. બહારના વ્યક્તિ અથવા એજન્ટ દ્વારા કરાવવામાં આવેલા રજિસ્ટ્રેશનથી છેતરપીંડિ થવાની શક્યતા છે. અમે 1 માર્ચથી દેશની 440 શાખાઓમાં આ પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન કરાવવામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણાના યાત્રીઓની સંખ્યા વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.