Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. જેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના, ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામમંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે.

Advertisement

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થતાંની સાથે જ સમગ્ર દેશના રામભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનાર 22 જાન્યુઆરીના રોજ રામમંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતા સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામમંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કાંઈક ને કાંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામમંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામમંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે.Screenshot 10

સુરતમાં રસેસ જ્વેલર્સના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામમંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે. આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂઝટ એક્સ્પો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે. જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ રામમંદિર, રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેનાં ચિત્ર બનાવી પ્રદર્શનના મુકાયાં છે. જે હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.Screenshot 8

હાર બનાવનાર વેપારી રોનક ધોડિયાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં જે રામમંદિર બનાવવામાં આવ્યું છે તેનાથી પ્રેરિત થઈને આ હાર બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ત્રણેય પાર્ટનર મળી રામમંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો હતો. જેમાં હાર પર આબેહૂબ અયોધ્યાનું રામમંદિર તૈયાર કર્યું છે. તેની સાથે રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા તૈયાર કરી છે અને રામાયણના અધ્યાયનો સૌથી મહત્ત્વનો ભાગ હરણ હતું તે સોનાનું હરણ પણ તૈયાર કર્યું છે. આમ માત્ર હાર નહીં પણ આખો રામ દરબાર તૈયાર કર્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, આ હાર સાથેના રામ દરબાર બે કિલોથી વધુ વજનનો છે. જેને સોના, ચાંદી અને અમેરિકન ડાયમંડમાંથી તૈયાર કરાયો છે. જેમાં 5000થી વધુ અમેરિકન ડાયમન્ડ્સનો ઉપયોગ કરાયો છે. તેને બનાવવા માટે 30 દિવસનો સમય લાગ્યો છે. જેની પાછળ જુદા જુદા 40 કારીગરોની મહેનત બાદ તૈયાર થયો છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.