• 1 જુનથી જિલ્લાના તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ ધમધમવા લાગશે

ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તૈયારીઓના ભાગરુપે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરુરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા કક્ષાએથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અને જિલ્લા કક્ષાએ બેઠકમાં જોડાયેલા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરે વિભાગ મુજબ ચોમાસા દરમિયાન કરવાની કામગીરી અને તેની આગોતરી તૈયારીઓની સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. તાલુકા વહીવટીતંત્ર આ નોડલ અધિકારી ઓના માર્ગદર્શનમાં જરુરી કામગીરીઓ હાથ ધરશે.

અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કહ્યુ કે, આગામી તા.1 જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરુમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરુરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વરત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે ઘટતું કરવાનું રહેશે.

જિલ્લા કલેકટરએ ઉમેર્યુ કે, દરેક તાલુકા કક્ષાએ સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર સહિતના વાહનો, ડ્રાઇવરના સંપર્ક નંબર સાથેની વિગતો અદ્યતન અને હાથવગી રાખવામાં આવે. સ્થળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્થળોનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે. આ પ્રકારની સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા કરવાની થાય તેવા સંજોગોમાં અગાઉથી જ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોની મદદ લેવા માટે જરુરી આયોજન અને તૈયારી કરવામાં આવે.

જિલ્લાના દરિયાકાંઠેથી ચોમાસામાં માછીમારી માટે કોઈ બોટ રવાના ન થાય તે માટે મત્યસ્યોદ્યોગ અને તેને લગતી કચેરીઓને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ સાથે વિગતો બાબતે યોગ્ય રીતે સંકલન અને પ્રત્યાયન કરવામાં આવે તે માટે તૈયારી કરવા જણાવ્યુ હતુ. ખેતીવાડી તેમજ બાગાયત કચેરીને પાક નુકસાનીના કિસ્સામાં સમય મર્યાદામાં અને તાત્કાલિક રીતે સર્વે કામગીરી પૂર્ણ કરી જરુરી વિગતો પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટરએ સૂચના આપી હતી. સંબંધિત સર્વે ટીમની રચના અને તેની રૂટ અને ઝોન મુજબની આગોતરી કરવા તમામ તાલુકા કક્ષાની ટીમોને સૂચના આપવામાં આવી હતી.

આપત્તિની સ્થિતિ હોય ત્યારે પોલીસ ઉપસ્થિત રહી શકે તે માટે પોલીસ કચેરી સાથે જરુરી સંકલન કરવુ, યોગ્ય અને ઉચિત્ત પગલાઓ ભરવા, પોલીસ વિભાગના કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે સંકલન થઇ રહે તે માટે ઘટતું કરવા સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા અને નિવાસ અધિક કલેક્ટર ગોહિલે સંબંધિત વિભાગોને ચોમાસા પૂર્વે કરવાની થતી કામગીરીનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપી હતી.બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ તેમજ અધિકારીઓને જિલ્લા કલેક્ટરએ તેમના વિભાગે કરવાની થતી કામગીરી તેમજ કંટ્રોલરુમ સંબંધિત કામગીરીનું યોગ્ય આયોજન અને અમલીકરણ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ પ્રાંત અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.