- પ્રેમમાં કરેલી હત્યા રેરેસ્ટ ઓફ રેર ન ગણી શકાય
- જુલાઈ 2018માં માતા અને પ્રેમીએ સાથે મળી 17 વર્ષીય પુત્રીની નીપજાવી હતી હત્યા
ગુજરાત હાઈકોર્ટે પોતાની સગી પુત્રીની હત્યા માટે ટ્રાયલ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા પામેલી મહિલાનો છુટકારો કર્યો છે. માતાના અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધનો વિરોધ કરનારી પુત્રીની માતા અને તેના પ્રેમીએ ઠંડા કલેજે હત્યા નીપજાવી હતી. પ્રેમાંધ યુગલને સેસન્સ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. જે સજા રદ્દ કરી હાઇકોર્ટે માતાનો છુટકારો કર્યો છે જયારે પ્રેમીની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં તબદીલ કરી દીધી છે.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો માર્ચ 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની સેશન્સ કોર્ટે 11 જુલાઈ, 2018ના રોજ કંકુ પાનવેચાની 17 વર્ષની પુત્રી સોનલની હત્યા કરવા બદલ કંકુ પાનવેચા અને ઉમંગ ઠક્કરને સજા ફટકારી હતી.
કેસની વિગતો મુજબ કંકુ પાનવેચા અને તેની પુત્રી તેમના વતન ધામા ગામમાં ઘરકામ કરતી હતી. કંકુ પાનવેચા ઉમંગ ઠક્કરના ઘરે પણ કામ કરતી હતી. જ્યાંથી બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. મહિલાથી 10 વર્ષ નાના ઉમંગ ઠક્કરની કરિયાણાની દુકાન હતી અને તે અપરિણીત હતો.
જ્યારે પુત્રીને માતાના પ્રેમ સંબંધ અંગે જાણ થઈ ત્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો હતો અને યુગલને ખુલ્લા પાડવાની ધમકી આપી હતી. માતાએ પુત્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સમજાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા પછી પ્રેમાંધ યુગલે કથિત રીતે સોનલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
માતાએ પુત્રીને ઠક્કરના ઘરે આવવા માટે સમજાવી હતી. જ્યાં યુગલે પુત્રીને તેમના સંબંધો સ્વીકારવા અને મૌન રાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સોનલના અસ્વીકારથી ઉમંગ ઠક્કર ઉશ્કેરાઈ ગયો હતો અને છરી કાઢીને તેના પેટમાં અને ગળામાં પાંચ ઘા માર્યા હતા. છરી વડે પહોંચેલી ઈજના લીધે સોનલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ઉમંગ ઠક્કર સ્થળ પરથી નાસી ગયો હતો જયારે માતા લાશની બાજુમાં બેઠી રહી હતી.બાદમાં સોનલના કાકા વિષ્ણુ પાનવેચાએ તેની ભાભી કંકુ અને ઠક્કર વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. બંનેની થોડા દિવસ પછી મોરબી જિલ્લાના માળિયા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.ટ્રાયલ કોર્ટે બંનેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી
કંકુ પાનવેચાને નિર્દોષ જાહેર કરતી વખતે હાઇકોર્ટની જસ્ટિસ એ વાય કોગજે અને જસ્ટિસ એસ જે દવેની ખંડપીઠે મહિલાના પ્રેમી ઉમંગ ઠક્કરની સજાને સમર્થન આપ્યું હતું. જો કે હાઈકોર્ટે તેની મૃત્યુદંડને આજીવન કેદમાં બદલીને કહ્યું હતું કે, આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં આવતો નથી જેથી મૃત્યુદંડ આપી શકાય નહિ.
10 વર્ષ નાના યુવક સાથે માતાને પ્રેમ સંબંધ પાંગર્યાનું પુત્રીને સ્વીકાર ન હતું
કંકુ પાનવેચા અને તેની પુત્રી તેમના વતન ધામા ગામમાં ઘરકામ કરતી હતી. કંકુ પાનવેચા ઉમંગ ઠક્કરના ઘરે પણ કામ કરતી હતી. જ્યાંથી બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. મહિલાથી 10 વર્ષ નાના ઉમંગ ઠક્કરની કરિયાણાની દુકાન હતી અને તે અપરિણીત હતો. આ બાબત પુત્રી સોનલને સ્વીકાર ન હતી. જેથી પ્રેમ સંબંધ પૂર્ણ કરી નાખો નહીંતર હું બંનેને ઉઘાડા પાડી દઈશ તેવી ચીમકી આપતા સગીર પુત્રીની હત્યા નીપજાવી દેવામાં આવી હતી.