આનંદો …2 વર્ષ બાદ રાજકોટમાં યોજાશે લોકમેળો, જાણો શું કહ્યું રાજકોટ જિલ્લા કલેકટરે

રાજકોટવાસીઓ માટે ખુબજ  સારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં છેલ્લા 2 વર્ષથી કોવિડ- 19ના કારણે વહીવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ફરી યોજાવામાં આવશે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની મહામારીની નવી લહેર નહી આવે તો જ રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળાનું  આયોજન થશે. આ અંગે આગામી સમયમાં જ બેઠકનું આયોજન કરવામાં આવશે.

હવે કોરોના વાઇરસની મહામારી નહિવત થતા જ જનજીવન ફરી એકવાર રાબેતા મુજબ ધમધમતું  થયું  છે તેમજ ધંધા-રોજગાર પણ નિયમિત થયા છે. તેથી  લોકોએ રાહતનો શ્વાસ અનુભવી રહ્યા  છે. ત્યારે હવે આગામી ઓગસ્ટ માસમાં બે વર્ષના સમયગાળા બાદ હવે તા. 17 થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે વહીવટી તંત્ર કમર કસવા લાગ્યું છે.

આ અંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ મીડિયાને માહિતી આપતા  જણાવ્યું હતું કે,આવનાર  જન્માષ્ટમીના  લોકમેળાનું  રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ આયોજન કરવામાં આવશે. આગામી સમયમાં આ મેળા માટે તૈયારીઓ શરુ થશે. ખાસ મહત્વનુ છે કે  રાજકોટનાં નગરજનો એ ઉત્સવ પ્રિય છે. અહીં તમામ તહેવારો ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. જેમાં કાઠીયાવાડની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો જન્માષ્ટમીનો લોકમેળો એ અનોખી ભાત પાડી રહ્યો છે.

સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રમાં  સૌથી મોટો મેળો રાજકોટ ખાતે યોજાય છે. દર વર્ષે રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળાની શરૂઆત રાંધણ છઠ્ઠના દિવસથી  કરવામાં આવે છે.  અને દશમ સુધી એટલે કે પાંચ દિવસ ચાલતો હોય છે. લોકમેળાના આયોજન થકી  રાઈડ્સ, રમકડા, ખાણીપીણી, સહિતના વેપારીઓ સહિત 2 લાખ લોકોને પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળી રહે છે. પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકો મેળો માણવા માટે આવતા હતા.

રાજકોટ ખાતે યોજાતા લોકમેળામાં સૌરાષ્ટ્ર- ગુજરાતભરમાંથી ​​​​​​​ લોકો ઉમટી પડે છે અને હૈયે હૈયુ દળાઇ એટલી માનવ મેદની આ મેળાની મોજ માણવા માટે આવે છે. જન્માષ્ટમીનો આ લોકમેળો, લોકમેળા ઉત્સવ સમિતિના નેજા હેઠળ વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાય છે. આગામી સમયમાં આ મેળા અંગેની તૈયારીઓનો દોર વહીવટી તંત્રે હાથ પર લઇ પ્રાંત કચેરીઓમાં બે વર્ષ જૂની મેળાની  ફાઈલો ફરી ખોલી તૈયારી આરંભી છે.