Abtak Media Google News

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો ઊંચકાતા જાણે લોકોના મગજનો પારો ગગડયો હોય તેમ અંજારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં સતાપર ફાટક બાજુ ચા – પાણી પીવા ગયેલા બે મિત્રોએ ત્યાં પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરતા ત્રણ શખ્સોને ટપારતા બંને મિત્રોના ઢીમ ઢાળી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી ત્યારે અંજાર પોલીસે આરોપીઓન ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારમાં જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નરશીભાઈ રાણસીભાઈ ઠાકોર (ઉ.વ.૪૫) અને તેના મિત્ર રમેશનાથ શંકરનાથ બાવાજી (ઉ.વ.૪૫) બંને સતાપર ફાટક પાસે આવેલી હોટલ પર ચા પીવા ઊભા હતા. ત્યારે ત્યાં પાર્ક કરેલા ટ્રકમાંથી અલ્ફાઝ દાઉદ માજોઠી, નિખિલ મહેશ્વરી અને વીરજી મહેશ્વરી ત્રણેય બેટરી કાઢતા હતા.

તે દરમિયાન આ બંને મિત્રોએ ત્રણેય શખ્સોને બેટરી ન ચોરવા બાબતે ઠપકો આપતાં માથાકૂટ થઈ હતી અને ત્રણેય શખ્સો લાકડાના ધોકા વડે બંને મિત્રો પર તૂટી પડ્યા હતા. જેના કારણે ગંભીર હાલતમાં ધવાયેલા બંને આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકાગાળામાં જ બંને મિત્રોએ દમ તોડતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. પોલીસે અલ્ફાઝ, નિખિલ અને વીરજી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી અને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.