Abtak Media Google News

Table of Contents

પાકિસ્તાનના ઘરમાં ઘુસી વાયુસેનાની એર સ્ટ્રાઈક: ‘૧૨’ મિરાજ-૨૦૦૦’ વિમાન દ્વારા જૈશ એ મોહમ્મદના અડ્ડાઓનો સફાયો: ૩ અલ્ટ્રા કંટ્રોલ રૂમને પણ નેસ્તનાબુદ કરાયા

પુલવામા આતંકી હુમલાના ૧૨ દિવસ બાદ ભારતીય સેનાએ લીધો બદલો: ૧૦૦૦ કિલોના ૧૦ બોમ્બ ઝીંકાયા: એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ફફડાટ: ઈમરજન્સી બેઠક બોલાવાઈ

વાયુસેનાની એર સ્ટ્રાઈકની દેશભરમાં ભારે સરાહના: દેશવાસીઓ રોડ પર ઉતરી સેનાના જવાનોની બહાદુરીને બિરદાવી: સરહદ પર હાઈ એલર્ટ: મીની યુદ્ધ જેવી પરિસ્થિતિ

વડાપ્રધાન કાર્યાલય ખાતે એક કલાક ચાલી સીસીએસની બેઠક: સાંજે સર્વદળીય બેઠક: ભારત હજી મોટા પગલા લેવાની તૈયારીમાં

૩૨૫ આતંકીઓ અને ૨૫ ટ્રેનરો હણાયા

જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકી સંગઠન જૈસ એ મોહમ્મદ દ્વારા ૧૨ દિવસ પહેલા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયા હતા. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ભારતીય સેનાએ શહિદ જવાનોના એક-એક લોહીના ટીપાનો બદલો લઈ લીધો છે. આજે વહેલી સવારે વાયુ સેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘુસી ૩૫૦થી વધુ આતંકવાદીઓનો સફાયો બોલાવી દીધો હતો.

Advertisement

પીઓકેમાં ભારતીય વાયુ સેનાએ એર સ્ટ્રાઈક કરી આતંકી સંગઠન જૈસ એ મહોમ્મદના ૩ અલ્ટ્રા કંટ્રોલ‚મ સહિત તમામ અડ્ડાઓનો સફાયો બોલાવી દીધો હતો. ઓપરેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ જ હાથ ધરવામાં આવ્યું હતું. સેનાની એર સ્ટ્રાઈક બાદ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. ભારત હજુ આતંકવાદીઓ સામે મોટા પગલાની તૈયારી કરી રહ્યું હોય સાંજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.Pok 3

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજથી ૧૨ દિવસ પહેલા આતંકી સંગઠન જૈસ એ મહોમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયા બાદ દેશભરમાંથી એવી બુલંદ માંગણી ઉઠી હતી કે પાકિસ્તાનને આ નાપાક. હરકતનો જડબાતોડ જવાબ આપવો જોઈએ. હુમલાના ૧૨ દિવસ બાદ આજે વહેલી સવારે વાયુસેના ૧૨ મિરાજ ૨૦૦૦ વિમાનો સાથે પીઓકેમાં ઘુસી ગઈ હતી અને બે કલાક સુધી વિમાનો યમદુત બની આતંકવાદીઓ પર ત્રાટકયા હતા.Pok 4

પીઓકેમાં આતંકી સંગઠન જૈસ એ મહોમ્મદના ૩ અલ્ટ્રા કંટ્રોલ રૂમ સહિત તમામ અડ્ડાઓનો સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો. વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં ૩૨૫થી વધુ આતંકીઓ અને ૨૫ જેટલા ટ્રેનરો સહિત ૩૫૦ જેટલા આતંકીઓ મોતને ભેટયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ એક પત્રકાર પરીષદમાં પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ કરેલી કાર્યવાહીની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, કઈ રીતે ભારતના જવાનોએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.Pok 5

ભારત દ્વારા પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદીઓ સામે પગલા ભરવા માટે વાત કરી હતી છતાં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ સામે પગલા ભરવામાં ન આવતા આજે ભારતે પાકિસ્તાનની હદમાં ઘુસીને જ ૩૫૦થી વધુ આતંકવાદીઓનો સફાયો બોલાવી દીધો હતો. ૪૮ વર્ષ બાદ ભારત પીઓકેમાં ઘુસી આતંકીઓ પર ત્રાટકયું હતું.

Pok 6

વિજય ગોખલેએ વધુમાં ઉમેર્યું હતું કે, પાછલા બે દાયકાથી જૈશ પાકિસ્તાનમાં એકટીવ છે અને ભારત સતત તેની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યું છે છતાં કાર્યવાહી ન કરતા પુલવામા હુમલા બાદ આતંકી સંગઠન પર મોટી કાર્યવાહી કરવાની આવશ્યકતા જણાતી હતી જેને વાયુસેનાએ પાર પાડી છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલકોટમાં મોટી કાર્યવાહી કરી છે જયાં જૈશ એ મહોમ્મદના કેટલાક આતંકવાદીઓ અને જેહાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત મુઝફરાબાદ સહિતના પાકિસ્તાનના અનેક ગામોમાં વાયુસેનાએ હુમલો કર્યો છે. આ હુમલામાં કોઈ નાગરિકના જીવ ન જાય તેની પણ કાળજી રાખવામાં આવી હતી. અમારું નિશાન આતંકવાદીઓ હતા જેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે. વાયુસેના દ્વારા પીઓકેમાં ઘુસી ૩૫૦થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવાયા બાદ સવારે વડાપ્રધાન કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળી હતી.

Pok 2

જેમાં ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી, વિદેશમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ૧ કલાક ચાલી હતી જેમાં હજુ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સાંજે વડાપ્રધાન દ્વારા એર સ્ટ્રાઈક મામલે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી માટે ભાવી રણનીતિ ઘડવામાં આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે.

બીજી તરફ પાકિસ્તાનની સેનાએ પણ એ વાતની કબુલાત કરી હતી કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસી હુમલો કર્યો હતો. ભારતીય સેનાની કડક કાર્યવાહીથી ફફડી ઉઠેલા પાક. વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ તાકીદની બેઠક બોલાવી હતી. એર સ્ટ્રાઈક બાદ દેશભરમાં હાઈએલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે અને સરહદ પર સુરક્ષા વધુ મજબુત કરી દેવામાંઆવી છે.

પુલવામા હુમલા બાદ ભારતે શહિદોના એક-એક લોહીના ટીપાનો બદલો લેવા માટે આજે પાકિસ્તાનમાં ઘુસીને જે રીતે ૩૫૦થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો છે તેની દેશભરમાં ભારે સરાહના થઈ રહી છે. રાજકોટમાં આજે સેનાની કાર્યવાહી ખુશાલીમાં લોકોએ મીઠાઈ વહેંચી હતી અને ફટાકડા ફોડયા હતા તો બીજી તરફ દેશના અનેક શહેરોમાં સેનાના સમર્થનમાં વિશાળ રેલીઓ પણ નિકળી હતી.

આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો બોલાવી દેવા અને કડક કાર્યવાહી કરવા માટે ભાવી રણનીતિ ઘડવા આજે સાંજે ૫:૦૦ કલાકે વડાપ્રધાન દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે જે બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. બીજી તરફ આજે સવારે સીસીએસની એક કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વડાપ્રધાનની નિગરાનીમાં ઓપરેશન: નરેન્દ્ર મોદી સતત એકશન રૂમમાં હાજરModiiiiiii

પુલવામા આતંકવાદી સંગઠન જૈસ એ મહોમ્મદ દ્વારા ૧૨ દિવસ પહેલા કરવામાં આવેલા સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયા હતા. આ શહિદોના લોહીના એક-એક ટીપાનો બદલો લેવા માટે દેશભરમાંથી બુલંદ માંગ ઉઠી હતી ત્યારે આજે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસી ૩૫૦થી વધુ આતંકવાદીઓનો સફાયો બોલાવી દીધો હતો. આ સંપૂર્ણ ઓપરેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિગરાનીમાં હાથ ધરવામાં આવ્યું છે.

વડાપ્રધાન સતત બે કલાકથી વધુ સમય એકશન ‚મમાં હાજર રહ્યા હતા અને વાયુસેનાની એક-એક પળની કાર્યવાહી અંગે જીણવટભરી માહિતી મેળવતા હતા. એર સ્ટ્રાઈક બાદ તેઓએ તાકીદે સીસીએસની બેઠક બોલાવી હતી જે એક કલાકથી પણ વધુ સમય ચાલી હતી. ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક બાદ એર સ્ટ્રાઈકની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. વાસ્તવમાં આ સંપૂર્ણ ઓપરેશન વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.