Abtak Media Google News
  • ખોદકામ દરમિયાન ઇન્ડુસ મોબાઇલ ટાવર કંપનીએ 300 એમએમની ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં ભંગાણ સર્જી દેતા પાણીની નદી વહી: ત્રિશા બંગલો સોસાયટીમાં વિતરણ ખોરવાયું

રાજકોટ શહેરના અમિન માર્ગ અને કાલાવડ રોડની વચ્ચેથી પસાર થતા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલવાળા રોડ પર હિંગળાજ નગર વિસ્તારમાં આજે સવારે મોબાઇલ ટાવર એજન્સીએ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જતા સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઇ જવા પામી હતી. ભર ઉનાળામાં રોડ પર પાણીની નદી વહેતા હજ્જારો લીટર પાણીનો વેડફાટ થઇ ગયો હતો. વોર્ડ નં.8માં ત્રિશા બંગલો સોસાયટી વિસ્તારમાં વિતરણ ખોરવાયું જવા પામ્યું હતું.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે શહેરના વોર્ડ નં.8માં સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે હિંગળાજ નગરમાં ઇન્ડુસ ટાવર એજન્સી દ્વારા ટાવર ઉભો કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

તે દરમિયાન અચાનક પાણી વિતરણ માટેની 300 એમએમની ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં ભંગાણ પાડ્યું હતું. જેના કારણે છેક કાલાવડ રોડ પર કોટેચા ચોક અને અમિન માર્ગ પર પાણી પહોંચ્યા હતા. જે રિતે ચોમાસાની સિઝનમાં વરસાદ દરમિયાન રોડ પર પાણી પસાર થતા હોય તે રિતે પાણીની નદીઓ વહેવા લાગી હતી. મોટાભાગના વિસ્તારમાં વિતરણ પુરૂં થઇ ગયા બાદ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હોવાના કારણે વિતરણ વ્યવસ્થા પર બહું અસર પડી ન હતી. પરંતુ વોર્ડ નં.8માં ત્રિશા બંગલોમાં તાત્કાલીક અસરથી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

તાત્કાલીક ધોરણે પાઇપલાઇન રિપેરીંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.

ખોદકામ કરતી વેળાએ મોબાઇલ કંપની, ગેસ એજન્સી, પીજીવીસીએલ સહિતની એજન્સીઓ કોર્પોરેશન સાથે સંકલન રાખતી ન હોવાના કારણે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાની સમસ્યાનો સામનો ક્યારેય નિવેડો આવતો નથી. મહામૂલા પાણીનો વેડફાટ થાય છે અને લોકોએ પાણી વિના રહેવું પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.