Abtak Media Google News

કાશ્મીર પોલીસ અને સેનાનું સંયુકત ઓપરેશન : હજુ સર્ચ ઓપરેશન યથાવત

ઉત્તર કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકીને સેનાના જવાનોએ ઠાર માર્યો છે. વાસ્તવમાં આ આતંકી એલઓસીને અડીને આવેલા સૈદપોરા વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લા હેઠળ એલઓસી સાથે સૈદપોરા વિસ્તારમાં સેનાના જવાનો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.  ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર આતંકીને એન્કાઉન્ટર દરમિયાન ઠાર કરવામાં આવ્યો છે.

બુધવારે રાત્રે કુપવાડાના સૈદપોરા ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોના જૂથ વચ્ચે અથડામણ શરૂ થઈ, તરત જ આર્મી અને પોલીસની સંયુક્ત ટીમોએ ઘૂસણખોરોના એક જૂથને અટકાવ્યું હતું.  આ અથડામણમાં જવાનોને સફળતા મળી અને આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે અન્ય આતંકીઓ ઇજાગ્રસ્ત થયા હતા પરંતુ રાત્રીના સમયમાં અંધારાનો લાભ મેળવી બંને આતંકીઓ નાસી છૂટવામાં સફળ થઈ ગયા હતા.

એક ટ્વિટમાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, ગત રાત્રે, કુપવાડા પોલીસને મળેલા ચોક્કસ ઇનપુટના આધારે, સેના અને પોલીસની સંયુક્ત ટીમે સૈદપોરા ફોરવર્ડ વિસ્તારમાં ઘૂસણખોરોના એક જૂથને અટકાવ્યું હતું. સંયુક્ત ટીમે એક ઘૂસણખોરને પકડી પાડ્યો હતો.

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે કુપવાડા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે સુરક્ષા કર્મચારીઓએ ઓપરેશન શરૂ કર્યું હતું.  તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને આતંકીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  સુરક્ષા દળોએ આંતરિક વિસ્તારોમાં આતંકવાદ વિરોધી અભિયાનને વેગ આપ્યો છે, જેના પરિણામો પણ જોવા મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.