Abtak Media Google News

જીટીયુ સંપૂર્ણપણે રાજ્યની એકમાત્ર પેપરલેસ અને ક્લાઉડ બેઝ્ડ યુનિવર્સિટી છે: જીટીયુ કુલપતિ ડો.નવીન શેઠ

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજીટલ ઈન્ડિયાના અભિયાનને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સહયોગી થઈને વેગવંતુ બનાવવા માટે સતત કાર્યરત રહી છે. જેના ફળ સ્વરૂપે તાજેતરમાં જ ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ગેશીયા) દ્વારા જીટીયુને શાઈનીંગ સ્ટાર એવોર્ડ એનાયત કરાયો છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે,  ટેક્નિકલ યુનિવર્સિટી તરીકે જીટીયુ ખરા અર્થમાં પ્રસ્થાપીત થયેલી છે.  જીટીયુ સંપૂર્ણપણે રાજ્યની એકમાત્ર પેપરલેસ અને ક્લાઉડ બેઝ્ડ યુનિવર્સિટી છે. વિદ્યાર્થીઓને પણ તેનો વિશેષ લાભ મળી રહે છે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે જીટીયુ આઈટી વિભાગના વડા  કેયુર શાહ તેમજ સમગ્ર આઈ-ટી ટીમને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

ગેશીયા દ્વારા જુદી-જુદી 8 કેટેગરીમાં વિવિધ સંસ્થાઓને એવોર્ડ આપીને સન્માનિત કરી હતી. જેમાં  બેસ્ટ ડિજીટલ ટ્રાન્સફોર્મેશન એડોપ્શન ફોર ધ એજ્યુકેશન સેક્ટર કેટેગરીમાં રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી તરીકે જીટીયુની પસંદગી કરવામાં આવી છે. જીટીયુ  છેલ્લા એક દશકથી ક્લાઉડ બેઝ્ડ સિસ્ટમનો ઉપયોગ કરીને દરેક સ્તરે ડિજીટલાઈઝેશનથી કાર્યરત રહે છે.

વિદ્યાર્થી અને સ્ટાફને ઉપયોગી 150થી વધુ એપ્લિકેશન પણ જીટીયુ દ્વારા શરૂ કરાયેલ છે. ડિજીટલાઈઝેશનના કારણે વિદ્યાર્થીઓને કોઈ પણ સ્થળેથી સમય અને નાણાનો વ્યય કર્યા વગર તમામ પ્રકારની સવલત ઓનલાઈન મેળવી શકે છે. જીટીયુ દ્વારા અંદાજે 10 લાખથી વઘુ ડિગ્રી સર્ટીફિકેટ્સ પણ ડિજીલોકરમાં અપલોડ કરવામાં આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓ સરળતાથી પોતાના ડિગ્રી સર્ટીની કોપી મેળવી શકે છે. આમ ડિજીટલાઈઝેશનના મહંદ વપરાશને ધ્યાનમાં રાખીને ગેશીયા દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટી અને શૈક્ષણીક સંસ્થાઓમાંથી જીટીયુની પ્રથમ પસંદગી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.