Abtak Media Google News

ભક્તિનગર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો : લંપટ આચાર્યની ધરપકડ

અબતક, રાજકોટ  ન્યૂઝ :  રાજકોટનું શિક્ષણ જગત શર્મશાર થયું છે. એક ખાનગી શાળાના આચાર્યએ ચાર જેટલી છાત્રાઓની જાતીય સતામણી કર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે લંપટ આચાર્યની ધરપકડ કરી પૂછપરછ આદરી છે.પ્રાપ્ત વિગત અનુસાર શહેરના હરીધવા રોડ પર આવેલી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી ચાર છાત્રાઓએ આચાર્ય રાકેશ વશરામ સોરઠીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. લંપટ આચાર્ય રાકેશ વશરામ સોરઠીયાએ અલગ અલગ સમયે ચારેક છાત્રાઓને ઓફિસમાં બોલાવી હાથ પકડી શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધવાવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર શાળામાં અભ્યાસ કરતી એક માસુમ છાત્રાને પોતાની ઓફિસમાં બોલાવી દરવાજો બંધ કરી લંપટ આચાર્યએ સગીર છાત્રાનો હાથ પકડી શરીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી હતી. જેના લીધે ડઘાઈ ગયેલી છાત્રા ઘરે પહોંચી માતા-પિતા સમક્ષ રડવા લાગી હતી. માતા-પિતાએ રડવા પાછળનું કારણ પૂછતાં સગીરાએ આપવીતી વર્ણવતા માતા-પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જે બાદ પીડિતાના વાલીએ અન્ય એક છાત્રાના વાલીને વાત કરતા તેમણે પણ પોતાની દીકરી સાથે આચાર્યએ આ પ્રકારનું દુષકૃત્ય થયાનું જણાવ્યું હતું.આ પ્રકારે ચર્ચા આગળ ધપતા વધુ બે વાલીઓએ પોતાની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય આચાર્યએ કર્યાનું સ્વીકાર્યું હતું.

જે બાદ ચારેય પીડિતાના માતા-પિતાએ હિંમત દાખવી આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. ચારેય પીડિતાના માતા-પિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી લંપટ આચાર્ય રાકેશ વશરામ સોરઠીયાની ધરપકડ કરી લીધી છે.હાલ આ મામલે પોલીસ લંપટ આચાર્યની પૂછપરછ કરી રહી છે. ત્યારે આચાર્યએ પોતે આવું કોઈ કૃત્ય કર્યું નથી અને તેને બદનામ કરવા આ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેવો લૂલો બચાવ કર્યો છે.

સીસીટીવીની ચકાસણી થાય તો વધુ ખુલાસા થવાના એંધાણ

શાળામાં રહેલા સીસીટીવી કેમેરા અને આચાર્યની ચેમ્બર તેમજ તેની બહારના સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવે તો મામલામાં અનેક ખુલાસા થવાના એંધાણ છે. એવુ પણ બની શકે કે, આચાર્યએ હજુ વધુ છાત્રા સાથે અડપલાં કર્યા હોય તેવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી શકે છે.

મોટો ઘટસ્ફોટ : લંપટ આચાર્ય આમ આદમી પાર્ટી – રાજકોટ શહેરનો પ્રભારી

મળતી માહિતી મુજબ મૂળ શાપરનો રહેવાસી અને સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતો રાકેશ વશરામ સોરઠીયા આમ આદમી પાર્ટી – રાજકોટ શહેરના પ્રભારીનો મહત્વપૂર્ણ હોદ્દો ધરાવે છે. પ્રાપ્ત વિગત અનુસાર એકાદ વર્ષથી રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે કાર્યરત છે.

અલગ અલગ સમયે છાત્રાઓને ઓફિસમાં બોલાવી અડપલાં કર્યા

મળતી માહિતી મુજબ આચાર્ય રાકેશ સોરઠીયાએ ચારેય છાત્રાઓને અલગ અલગ સમયે પોતાની ઓફિસમાં બોલાવી દરવાજો બંધ કરી અડપલાં કર્યા હતા. ચારેય છાત્રાઓ સાથે બનેલી આ ઘટના અલગ અલગ દિવસે બની હતી. જો કે, વિદ્યાર્થીનીઓના માતા-પિતાએ એકબીજા સાથે વાત કરતા લંપટ આચાર્યએ અનેક વિદ્યાર્થીનીઓ સાથે દુષકૃત્ય કર્યાનું છતું થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.