Abtak Media Google News
  • આગામી દિવસોમાં સેમેસ્ટર 2ના કોર્સને મંજૂરી આપવા ઉપરાંત જુદા જુદા વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝને પણ મંજૂરી અપાઈ

ગુજરાત યુનિવર્સિટીમાં બુધવારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં નવા બેચરલ ઓફ સાયન્સના કોર્સ શરૂ કરવા ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓના મુદ્દે થયેલા વિવાદ, વિદ્યાર્થીઓને ચંદ્રકો આપવા સહિતના મુદ્દે વિચારણા હાથ ધરવામાં આવી હતી.લોકસભાની ચૂંટણીને લઇને આચારસંહિત લાગુ હોવાથી મહત્વના નિર્ણયો લઇ શકાય તેમ નહોવા છતાં એક્ઝિક્યુટિવ બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં તાજેતરમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેલા વિદેશી વિદ્યાર્થીઓના વિવાદના મુદ્દે ગંભીર ચર્ચા કરાઈ હતી.

ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી રાખવા પણ સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક જ હોસ્ટેલમાં બોયઝ અને ગર્લ્સને ભેગા રાખવાના મુદ્દે થયેલા વિવાદને લઇને પણ આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય કરવાનું નક્કી કરાયું હતું. યુનિવર્સિટીના સ્થાનિક વિદ્યાર્થીઓને પણ નવી હોસ્ટેલની વ્યવસ્થા મળી રહે તે માટે આયોજન કરવાની પણ ચર્ચા થઈ હતી. કુલપતિ દ્વારા આગામી દિવસમાં બેચરલ ઓફ સાયન્સ-બી.એસ.ના નવા કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. હાલમાં આ પ્રકારના કોર્સ શરૂ કરવા માટે 44 કોલેજોએ અરજી કરી છે.

આગામી દિવસમાં આ કોર્સ માટે મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસોમાં સેમેસ્ટર 2ના કોર્સને મંજૂરી આપવા ઉપરાંત જુદા જુદા વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝને મંજૂરી અપાઈ હતી. જુદા જુદા કોર્સમાં પાસ થતાં વિદ્યાર્થીઓને આપવામાં આવતાં ચંદ્રકોમાં કેટલીક સંસ્થાઓએ વધુ વિષયમાં ચંદ્રકો આપવા માટે કરેલી દરખાસ્ત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં ચાલતાં એચપીપી પ્રોગ્રામમાં નોલેજ પાર્ટનરને દૂર કરીને પીઓપી અંતર્ગત ફેકલ્ટીની નિમણૂક કરવામાં આવી છે તેમાં ફેકલ્ટીને આપવામાં આવતાં પગાર સહિતના ખર્ચને યુનિવર્સિટીના જનરલ ફંડમાં ગણવાનું નક્કી કરાયું હતુ. ફાઇનલ સ્ટેચ્યુટ ન આવે ત્યાંસુધી ઇન્ટરનલ કમિટી જેવી કે, બિલ્ડિંગ કમિટી, ફાયનાન્સ કમિટી, એડવાઇઝરી કમિટી, લોકપાલ કમિટી વગેરેના બોર્ડ બનાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.