ફેક્ટરીમાં બ્લાસ્ટથી શ્રમિકોના મૃત્યુ અંગે સાપરાધ મનુષ્ય વધના ગુનામાં 4 ભાગીદારોના જામીન મંજૂર

ભોપાલ ગેસ કાંડ, દિલ્હી ઉપહાર સિનેમા આગ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કરાયા

રાજકોટની ભાગોળે વાંકાનેર હાઈવે પર દેવ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ગત એપ્રિલ માસના બીજા સપ્તાહમાં મશીનરીમાં બ્લાસ્ટ સર્જાતા ચાર લોકોના મૃત્યુ અને નવ લોકોને ગંભીર ઈજા અંગેના નોંધાયેલ સાપરાધ મનુષ્ય વધના ગુનાના કામે ફેક્ટરી માલિકોની જામીન અરજી સેશન્સ અદાલત દ્વારા મંજૂર કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના ખેરવા ગામમાં દેવ ઈન્ડસ્ટ્રીઝના નામની ફેક્ટરીમાં તા.12/04/2021ના રોજ મશીનરીમાં ભયંકર બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત તથા અન્ય 9 મજૂરોને ગંભીર ઈજાના બનાવની તપાસ બાદ ફેક્ટરી માલીકો દેવેશભાઇ હરીશભાઈ કારિયા (રહે. રાજકોટ), કિશનભાઈ બાબુભાઈ સુવાગીયા (રહે. વેરાવળ-ગીર સોમનાથ), સંજયભાઈ ભુપતભાઈ તૈલી (રહે. રાજકોટ) , હર્દિકભાઈ બાલુભાઈ સુવાગીયા( રહે. રાજકોટ) વગેરે 4 વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધનો ગુન્હો દાખલ કરી ચારેય ફેક્ટરી ભાગીદારોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતા. દરમિયાન ચારેય ભાગીદારોએ જેલમાંથી  સેશન્સ અદાલતમાં જામીન પર મુક્ત થવા અરજી દાખલ કરી હતી. તેમાં પોલીસની કાર્ય પધ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવી રજૂઆતો કરવામાં આવેલ કે, આ પ્રકારના બનાવોમાં અન્ય કિસ્સાઓમાં ગુનાઈત બેદરકારીથી મૃત્યુ નિપજાવ્યાની ફરીયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવે છે.

તાજેતરમાં જ ગોકુલ હોસ્પિટલમાં આવા પ્રકારના જ કિસ્સામાં બેદરકારીની કરીયાદ નોંધવામાં આવેલ, ત્યારે હાલના કિસ્સામાં સાપરાધ મનુષ્યવધની ગંભીર કલમ લગાવી પોલીસે કાયદાકીય ભુલ કરેલ છે. ભોપાલ ગેસ દુર્ઘટના તેમજ દિલ્હી ઉપહાર સિનેમા આગ આ તમામ કિસ્સાઓમાં બેદરકારીથી મૃત્યુ નિપજાવવાની કલમો લાગી શકે તેવું સર્વોચ્ચ અદાલત દ્વારા ઠરાવવામાં આવેલ છે.

હાલના કિસ્સામાં પોલીસે  સાપરાધ મનુષ્યવધની ગંભીર કલમો લગાવી આરોપીઓને જેલ હવાલે કરેલ છે. બંન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલત દ્વારા બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી હતભાગી પરીવારના સભ્યોને વળતર આપવાના સરકારના આદેશનું પાલન કરેલ હોવાનું ઠરાવી તમામ આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવેલ હતા. આ કામમાં ફેકટરી માલીકો વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જયપાલસિંહ જાડેજા, કુણાલ વિંધાણી, વિરમ ધરાંગીયા, ઈશાન ભટ્ટ રોકાયેલ છે.