Abtak Media Google News

મનુષ્યએ સમય સંજોગ પ્રમાણે પશુઓ ઉપરના અત્યાચારની વ્યાખ્યા બદલી

પશુઓ પ્રાચીનકાળથી મનુષ્ય જીવનનો ભાગ : રમત થકી થયેલી ઈજાને અત્યાચાર ગણી શકાય નહીં!!

તમિલનાડુની સુપ્રસિદ્ધ રમત જલ્લીકટ્ટુ ઉપર પ્રતિબંધ મુકવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અદાલતે પશુઓ પર અત્યાચાર મામલે જે અરજી કરવામાં આવી હતી તેના અનુસંધાને નોંધ્યું છે કે, મનુષ્ય પ્રાણીઓને હંમેશા એક સાધન તરીકે ઉપયોગમાં લેતો આવ્યો છે અને સમય સંજોગો અનુસાર પશુઓ પર અત્યાચારની વ્યાખ્યા પણ બદલતો આવ્યો છે. હવે સુપ્રીમના આ ચુકાદાથી એક બાબત સ્પષ્ટ થઇ ગઈ છે કે, પશુઓને લડાવતી કોઈ પણ રમત ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે નહીં. દેશના વિવિધ રાજ્યોમાં પશુઓની અલગ અલગ રમતોનું અસ્તિત્વ છે ત્યારે આ બધી રમતને મંજૂરી મળી ગઈ છે તેવું કહેવું પણ અતિશ્યોકતી નથી.

સર્વોચ્ચ અદાલતે તમિલનાડુમાં દર વર્ષે યોજાતી રમત જલ્લીકટ્ટુને સમર્થન આપ્યું છે અને તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં જલ્લીકટ્ટુને મંજૂરી આપતા રાજ્ય સરકારના કાયદાને સમર્થન આપ્યું હતું. તેમાં ભાગ લેનાર બળદો પ્રત્યે ક્રૂરતા દર્શાવીને કાયદો રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. તમિલનાડુનો કાયદો સંસદ દ્વારા પસાર કરાયેલ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદાનું ઉલ્લંઘન કરતો હોવાનું કહેવાય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,  નવા કાયદામાં ક્રૂરતાના પાસાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રમત સદીઓથી તમિલનાડુની સંસ્કૃતિનો એક ભાગ રહી છે. તેને વિક્ષેપિત કરી ન શકાય. જો કોઈ પ્રાણીઓ સાથે ક્રૂરતા કરે છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ એ. નાગરાજા અને અન્યના નામે દાખલ કરાયેલી અરજીઓમાં ભારત સરકાર દ્વારા 7 જાન્યુઆરી, 2016ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

માહિતી અનુસાર, આ મામલો પેન્ડિંગ હતો, પરંતુ આ દરમિયાન તમિલનાડુમાં પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 પસાર કરવામાં આવ્યો હતો. બાદમાં અધિનિયમને રદ કરવાની માંગ કરતી રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

તત્કાલીન ચીફ જસ્ટિસ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ રોહિન્ટન નરીમનની બેન્ચે એવું માન્યું હતું કે જલ્લીકટ્ટુની આસપાસ ફરતી રિટ પિટિશનમાં બંધારણના અર્થઘટનને લગતા નોંધપાત્ર પ્રશ્નો સામેલ છે. આ પછી, રિટ અરજીઓમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો ઉપરાંત, પાંચ પ્રશ્નોના જવાબો નક્કી કરવા માટે આ મામલો બંધારણીય બેંચને મોકલવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારે બેંચે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મુકવાની અરજી ફગાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.