Abtak Media Google News

‘દેશનું સ્વાસ્થ્ય’ સ્વસ્થ; અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડતા એન્જિનિયરીંગ, હીરા-ઝવેરાત અને પેટ્રોલીયમ પેદાશોની નિકાસમાં નોંધપાત્ર વધારો

સૌથી વધુ નિકાસ યાંત્રિક સામાનોની નોંધાઈ; સાત દિવસમાં 830 કરોડનું વિદેશી ભંડોળ જમા થયું

કોરોનાની વૈશ્વિક મહામારીની દરેક ક્ષેત્ર પર નકારાત્મક અસરો ઉપજી છે. પરંતુ આ અસરોને હવે પાછળ છોડી ભારતીય અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે આગળ દોડવા માંડી છે. કરોનાકાળમાં પણ ભારતની વેપાર તુલા મજબૂતાઈભેર ઉભી છે. ઉત્પાદન ક્ષેત્ર વધુ આગળ ધપતા નિકાસનો વિકાસ ધમધમતા અર્થતંત્ર વેગવંતુ બન્યું છે. જે મોદી સરકારના 5 ટ્રિલિયન ડોલરના ઈકોનોમીના સ્વપ્નને સાકાર કરવામાં એક મોટી મદદરૂપ બનશે.

ઉત્પાદનિય પ્રવૃત્તિઓ વધુ ઝડપભેર ફરી શરૂ થતાં ભારતની વેપાર તુલા વધુ મજબૂત બની છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જ નિકાસમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો છે. 50 ટકાના વધારા સાથે નિકાસ સાત દિવસમાં જ રૂપિયા 50 હજાર કરોડને પાર થઈ છે. દેશનું સ્વાસ્થ્ય ગણાતા એવા ‘અર્થતંત્ર’ની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગતા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી  પણ ડબલ ડિજિટમાં પહોંચે તેવી તીવ્ર સંભાવના છે. અગાઉ પણ નિષ્ણાંતોએ એક મત રજૂ કર્યો હતો કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો જીડીપી દર 10.5થી 11ટકાની વચ્ચે રહેશે.

વેપાર અને વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1થી 7 ઓગસ્ટ દરમિયાન નિકાસમાં 50.45 ટકાનો વધારો નોંધાયો છે અને આ સાથે જ 7.41 અબજ ડોલર એટલે કે 50 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ઓગસ્ટના પ્રથમ સપ્તાહ દરમિયાન એન્જિનિયરિંગ સામાન, હીરા-ઝવેરાત રત્નો અને આભૂષણોની સારી નિકાસને કારણે દેશની કુલ નિકાસમાં વધારો થયો છે.

એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની નિકાસ 63 ટકા વધીને $ 834 મિલિયન થઈ છે. એ જ રીતે, રત્નો અને આભૂષણોની નિકાસ 121 ટકા વધીને $ 418 મિલિયન થઈ છે. તે જ સમયે, પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ 14.5 ટકા વધીને $ 522 મિલિયન થઈ છે. જો કે આ સાથે આયાત પણ વધી છે. આયાત પણ 70 ટકા વધીને 10.45 અબજ ડોલર થઈ છે. આને કારણે દેશની કુલ વેપાર ખાધ 3 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે મોદી સરકારે 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રનું લક્ષ્યાંક સેવ્યું છે જેને ફળીભૂત કરવા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે આ માટે મહત્વપૂર્ણ પાસાં એવા વિદેશમાં ભારતીય મિશનના વડા, સ્ટેકહોલ્ડર્સ, વેપાર-વાણિજય સાથે સંકળાયેલા આગેવાનો સાથે ગત અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો હતો. જેમાં 400 બીલિયન ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાની નિકાસના લક્ષ્યાંકનો કોલ અપાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.