Abtak Media Google News

કચ્છમાંથી દેશભરમાં મીઠુ પહોંચાડવા માટે ફાળવવામાં આવતી રેક ઉપર કાપ મૂકી તેને કોલસાના પરિવહન માટે મુકવામાં આવતા મીઠાની તંગી સર્જાવાની ભીતિ

પાવરને પાવર પૂરો પાડવા એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે. કારણકે વીજળી ઉત્પાદન માટે હવે સરકારે કોલસો પાવર પ્લાન્ટ સુધી જલ્દી પહોંચાડવા માટે કવાયત હાથ ધરી છે. તેના માટે મીઠાના રેક ઉપર કાપ મુકવામાં આવતા હવે મીઠાની તાણ પડે તેવી ભીતિ સર્જાઈ છે.
ભારતીય રેલવે દ્વારા કોલસાને રેકને આપવામાં આવતી પ્રાથમિકતા કચ્છમાંથી દેશભરના વિવિધ રાજ્યોમાં મીઠાના સપ્લાય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછતને ધ્યાનમાં રાખીને રેલવેએ કોલસાના રેકને પ્રાથમિકતા આપી છે. મીઠાના ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે, હવે તેમને ઔદ્યોગિક અને ખાદ્ય મીઠાના ટ્રાન્સપોર્ટ માટે દરરોજ માત્ર પાંચ રેક મળે છે.
જ્યારે કોલસાની આયાત વધશે ત્યારે રેકની સંખ્યામાં ઘટાડો થશે. તેઓએ કહ્યું હતું કે, તેમને અગાઉ આઠ રેક મળતા હતા. રેલવે મંત્રાલયે કચ્છના અધિકારીઓને અગ્રના ધોરણે ઉત્તર ભારતના છ વીજ ઉત્પાદન પ્લાન્ટમાં કોલસાને ટ્રાન્સપોર્ટ કરવા જણાવ્યું હતું. કચ્છ ઔદ્યોગિક અને ખાદ્ય એમ બંને ઉપયોગ માટે દેશની 75 ટકા મીઠાની જરૂરિયાતને સંતોષે છે. એક રેકમાં આશરે 2,700 ટન ખાદ્ય મીઠું લઈ જવામાં આવે છે, જ્યારે ઔદ્યોગિક મીઠા માટે એક રેકની ક્ષમતા 3,800થી 4 હજાર ટન છે.
પાવર સ્ટેશન સુધી કોલસાનું ટ્રાન્સપોર્ટ એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. ઔદ્યોગિક મીઠાના પુરવઠાને પ્રાથમિક રીતે ફટકો પડ્યો છે, પરંતુ તે ટૂંકાગાળા માટે છે. હાલમાં કચ્છમાંથી દરરોજ ત્રણ રેક જાય છે પરંતુ તે ટૂંક સમયમાં વધીને 10 થઈ જશે’, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચોમાસા દરમિયાન મીઠાના અગરમાંથી મીઠું લાવવું શક્ય નથી. ‘જો આ વર્ષે મીઠાના કારખાનાના માલિકો મીઠાના અગરમાંથી અગાઉથી મીઠું લાવશે અને ફેક્ટરીમાં સ્ટોક કરશે, તો તેઓ ચોમાસા દરમિયાન તેને ટ્રાન્સપોર્ટ કરી શકશે’, તેમ તેમણે કહ્યું હતું.
કચ્છમાં, દર વર્ષે આશરે 2.86 કરોડ ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેમાથી બે કરોડ ટનનો ઉપયોગ ઔદ્યોગિત અને ખાદ્ય તેમ બંને હેતુથી ઘરેલુ માર્કેટમાં કરવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં 1.2 કરોડ ટન મીઠાનો ઉપયોગ થાય છે
મીઠા માટે પહેલા 7-8 રેક મળતા, છેલ્લા 15 દિવસથી 4-5 રેક જ મળે છે
ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના વાઈસ-પ્રેસિડન્ટ શામજી કાંગડેએ જણાવ્યું હતું કે, ‘અમને નિયમિત 7-8 રેક મળતા હતા. પરંતુ છેલ્લા પંદર દિવસમાં અમને મીઠાના ટ્રાન્સપોર્ટેશન માટે દરરોજ 4-5 રેક મળે છે, લગભગ 70 ટકા ઔદ્યોગિક અને ખાદ્ય હેતુ માટેનું મીઠું ટ્રેન દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે’.
ચોમાસામાં મીઠાનું ટ્રાન્સપોર્ટેશન અઘરું, મેં મહિના સુધીમાં જથ્થો પહોંચાડવો જરૂરી
શામજી કાંગડેએ કહ્યું હતું કે, ચોમાસામાં મીઠાનું ટ્રાન્સપોર્ટેશન અઘરું છે અને તેથી જ તમામ વેપારીઓ મે મહિનામાં તેનો સ્ટોક કરી લે છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાંબાગાળે તે મીઠાની અછત સર્જી શકે છે અને એકવાર અછત સર્જાય તો તેને દૂર કરવામાં એક મહિનાનો સમય લાગશે.
સરકારે પાવર જાળવવા 4 રાજ્યોમાં કોલસાના પરિવહનને આપી પ્રાથમિકતા
રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મંત્રાલય દ્વારા તેમને ગુજરાત, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના છ પાવર પ્લાન્ટ્સને પ્રાથમિકતાના ધોરણે કોલસો સપ્લાય કરવાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. દીનદયાળ પોર્ટ, મુન્દ્રા અને નવલથી બંદરે કોલસાની આયાત કર્યા બાદ તેને ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.