Abtak Media Google News

મુકેશ અંબાણીની 87.9 બિલિયન ડોલર સંપત્તિ સામે ગૌતમ અદાણીની નેટવર્થ 88.5 બિલિયન ડોલર પર પહોંચી ગઈ

અબતક, રાજકોટ

ભારતીય અબજોપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે . બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની યાદીમાં ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પછાડીને વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 10મું સ્થાન મેળવ્યું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે ગૌતમ અદાણીની નેટવર્થ 88.5 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે, જે મુકેશ અંબાણીના 87.9 બિલિયન ડોલર કરતાં વધુ છે. અદાણી આ વર્ષે તેમની વ્યક્તિગત સંપત્તિમાં લગભગ 12 બિલિયન ડોલરના ઉછાળા સાથે વિશ્વના સૌથી વધુ સંપત્તિ એકત્ર કરનાર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે.ફોર્બ્સની યાદીમાં પણ ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. જોકે, ગૌતમ અદાણીએ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં પ્રથમ વખત દ્સમું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

ગ્રીન એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રવેશ બાદ અદાણી ગ્રૂપના કેટલાક લિસ્ટેડ શેરોએ છેલ્લા બે વર્ષમાં 600% થી વધુની વૃદ્ધિ નોંધાવી છે. અદાણીએ કોમોડિટી ટ્રેડિંગ બિઝનેસમાંથી બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને આજે તેમનો બિઝનેસ પોર્ટ્સ, માઈન્સ, ગ્રીન એનર્જી સહિતના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે.છેલ્લા ત્રણ વર્ષમાં દેશના સાત એરપોર્ટનું સંચાલન તેમના હાથમાં આવ્યું છે. તેમનું ગ્રુપ દેશનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું એરપોર્ટ ઓપરેટર, પાવર જનરેટર અને સિટી ગેસ રિટેલર છે.

2020ની શરૂઆતથી અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસના શેરમાં 1000 ટકાથી પણ વધુની વૃદ્ધિ નોંધાઇ છે. આ સમયગાળા દરમિયાન, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ 730 ટકા, અદાણી ટ્રાન્સમિશન 500 ટકા અને અદાણી પોર્ટ્સના શેર 95 ટકાથી પણ વધારે ઉછળ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.