Abtak Media Google News
  • મિત્ર પાસેથી રૂ. 10 લાખ કઢાવી દેવાના બહાને વધુ રૂ. 10 લાખનો ચૂનો ચોપડી દેવાયો

રાજકોટ શહેરમાં બે અલગ અલગ બનાવમાં મિત્રોએ જ મિત્ર સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. એક બનાવમાં વિમા એજન્ટ સાથે બે મિત્રોએ રૂ. 20 લાખનો ધુંબો મારી દીધાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે જયારે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સાથે મિત્રએ છેતરપિંડી આચરી કાર પચાવી લીધાનો બીજો બનાવ યુનિવર્સીટી પોલીસના ચોપડે નોંધાયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર સોસાયટી સામે આવેલા પૂજારા પ્લોટ-1માં રહેતા કલ્પેશભાઇ લીલાધરભાઇ ગોંડલિયા નામના પ્રૌઢે મિત્રો કંદર્પ વાલ્મીક ઢેબર અને અમિત પ્રવીણ વાઘેલા સામે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વાહન વીમા એજન્ટ તરીકે કામ કરતા પ્રૌઢની ફરિયાદ મુજબ ત્રણ વર્ષ પહેલાં કંદર્પ ઢેબર સાથે પરિચય થયા બાદ તેને વાહન પ્રીમિયમના પૈસા ભરવા માટે રૂ.5 લાખ માગતા તેને રૂપિયા આપ્યા હતા. જે રકમ પરત કરી દીધા બાદ વધુ એક વખત વાહન પ્રીમિયમ ભરવા માટે રૂ.10 લાખની જરૂરિયાત હોવાની વાત કરી હતી. જેથી તેને બે કટકે રૂ.10 લાખ આપ્યા હતા. સમયસર પૈસા પરત ન કરી કંદર્પે રૂ.10 લાખ આપવાના છે તેવું લખાણ કરી આપ્યું હતું. તેમ છતાં લાંબો સમય પછી પણ પૈસા પરત નહિ કરતા કંદર્પે ઘણા લોકો પાસેથી પૈસા લીધા હોવાનું મિત્ર યોગેશ રાવલે જણાવ્યું હતુ. અને જો પૈસા કઢાવવા હોય તો તમારા પૈસા અમિત વાઘેલા કઢાવી આપશે તેવું કહ્યું હતું.

ત્રણ દિવસ બાદ મિત્રે અમિતનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં અમિતને મળવા તેની ઓફિસે જતા તમારે હવે કંદર્પભાઇ પાસે પૈસા માગવાના નથી થતા, આ પૈસા હવે હું તમને એક મહિનામાં આપી દઇશની વાત કરી હતી. એક મહિના બાદ નાણાં લેવા જતા તે અલગ અલગ બહાના બતાવી ધક્કા ખવડાવતા હતા. અવારનવાર અમિત વાઘેલાને મળતા હોય તેની સાથે પણ મિત્રતા બંધાઇ ગઇ હતી. દરમિયાન એક વર્ષ પહેલાં અમિતે તેને એક કરોડના ડોલરનો વહીવટ છે તેમાં રૂ.10 લાખ ઘટતા હોવાની પોતાને વાત કરી હતી. તેમજ બે-ત્રણ દિવસમાં 10 લાખ અને કંદર્પના 10 લાખ એમ કુલ 20 લાખ રૂપિયા પાછા આપી દેવાનું કહી વિશ્વાસ બતાવ્યો હતો. જેથી અન્ય એક મિત્ર પાસેથી રૂ. 10 લાખ લઇને અમિતને આપ્યા હતા. નક્કી થયા મુજબના દિવસો પછી પૈસા માગતા અમિતે ખોટા ખોટા વાયદાઓ કર્યા હતા. આમ તેણે પણ પોતાના રૂપિયા પરત નહિ કરતા બંને સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ એ જે લાઠિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

સૂર્યદીપ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પાસેથી લગ્નપ્રસંગમાં મહેમાનોને લેવા તથા મુકવાના બહાને ગાડી લઇ ગયા બાદ પરત જ નહિ આપ્યાની રાવ

શહેરમાં વધુ એક છેતરપિંડીના બનાવની જો વાત કરવામાં આવે તો ભીડભંજન સોસાયટી-4માં રહેતા અને સૂર્યદીપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામથી વ્યવસાય કરતા યજ્ઞરાજસિંહ નનકુભાઇ બસિયાએ કેવડાવાડીના લક્કી ઠક્કર, વિષ્ણુવિહારના દિવ્યરાજસિંહ ઇન્દુભા ઝાલા, લક્ષ્મીવાડીના સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. ગત જાન્યુઆરી મહિનામાં મિત્ર લક્કી અને દિવ્યરાજસિંહ પોતાની ઘરે આવ્યા હતા. લક્કીએ લગ્નમાં મહેમાનોને લેવા મૂકવા માટે ચાર દિવસ કાર જોઇતી હોવાની વાત કરી હતી. જેથી મિત્રતાના દાવે કાર તેને આપી હતી.

કાર આપ્યા બાદ પોતે પણ બહારગામ હોય દસ દિવસ પછી પરત રાજકોટ આવી લક્કીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ લક્કી રૂબરૂ મળતા તેણે તમારી કાર મેં ગીરવે મૂકી છે. સાંજે હું પૈસા આપી કાર લઇ આવી તમને પરત કરી જઇશની વાત કરી હતી. તેમ છતાં સાંજ સુધી તે કાર દેવા આવ્યો ન હતો. દરમિયાન કારમાં જીપીએસ સિસ્ટમ લગાડેલી હોય કાર લક્ષ્મીવાડીના સંજયસિંહના ઘરનું લોકેશન બતાવતા પોતે ત્યાં ગયો હતો. સંજયસિંહ સાથે વાત કરતા લક્કી અને દિવ્યરાજ કાર ગીરવે મૂકી બે લાખ રૂપિયા લઇ ગયા છે. તમારે ગાડી જોઇતી હોય તો તમે મને એક લાખ આપો એટલે કાર તમને આપી દેવાની વાત કરી હતી. જેથી મેં તેને ના પાડી હતી. ત્યાર બાદ કારમાંથી જીપીએસ સિસ્ટમ બંધ કરી દઇ સગેવગે કરી નાંખતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.