Abtak Media Google News
  • લખપતના પડદા બેટમાંથી વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના અવશેષો, રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પ્રાપ્ત થયા
  • કચ્છ અને કેરાલા યુવિનર્સિટીના વિદ્યાર્થીઓ ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષો પર સંશોધન અભ્યાસ કરશે

ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજયના કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં કચ્છ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો કચ્છમાં મળી આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે

કચ્છની ધરામાં પુરાતન સંસ્કૃતિના અનેક અવશેષો ધરબાયેલા છે અને દેશ વિદેશની જુદી જુદી યુનિવર્સિટી તેમજ પુરાતત્વીય વિભાગ દ્વારા ખોદકામ કરીને સંશોધન કરવામાં આવતું હોય છે ત્યારે વર્ષ 2018થી કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ઓફ કેરાલા યુનિ., સેન્ટ્રલ યુનિ. ઓફ કર્ણાટક તેમજ અન્ય યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાં હડપ્પા સભ્યતાના અવશેષોને લઈને ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને સંશોધન કરવામાં આવી રહ્યા હતા ત્યારે હાલમાં 5700 વર્ષથી પણ જૂના અવશેષો મળી આવ્યા છે.

કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાંથી હાલમાં સંશોધન દરમિયાન માટીના વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો ઉપરાંત રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ પ્રાપ્ત થયા છે.

કેરાલા યુનિવર્સિટીના પુરાત્વીય વિભાગ દ્વારા ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિના દરમિયાન ખોદકામ કરાતાં 5700 વર્ષ જૂના હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે, જેમાં સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ મળી આવ્યા છે.

આ ખોદકામમાં કેરાલા યુનિવર્સિટી જોડાઈ હતી જેને એએસઆઇ માંથી સંશોધન માટેની મંજૂરી મળી હતી તો કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ, પૂણેની ડેક્કન કોલેજ, સ્પેનની બે યુનિવર્સિટી જેમાં સ્પેનિસ નેશનલ રિસર્ચ કાઉન્સિલ, યુનિવર્સિટી ઓફ લા લાગુના જોડાઈ હતી તો યુએસએની ટેક્સાસ એ.એન્ડ.એમ. યુનિવર્સિટી, કેટેલેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ આર્કિયોલોજી, યુએસએની અલ્બેનો કોલેજ, કેરાલા યુનિવર્સિટીનો ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીના રીસર્ચર અને વિદ્યાર્થીઓ મળીને કુલ 40 જેટલા લોકો આ સાઈટ પર સંશોધન અને ખોદકામ કરી રહ્યા છે.

ખોદકામમાંથી મળેલા અવશેષો પર આગામી સમયમાં વધુ સંશોધન હાથ ધરવામાં આવશે તો વધુ ખોદકામ પણ કરવામાં આવશે. હાલમાં જે અવશેષો મળ્યા છે તેના પરથી સંશોધન કરવામાં આવશે કે 5700 વર્ષ પૂર્વે જે લોકો વસવાટ કરતા હતા તેઓ કંઈ રીતે રહેતા હતા. ટેકરી પર આ અવશેષો મળી આવ્યા છે તો તેની ચારે બાજુ પણ સહેલાઈથી જોઈ શકાય છે.સુરક્ષાની દ્રષ્ટિએ કંઈ રીતે રહેતા હતા તેમજ તેમની સંસ્કૃતિમાં ખાણી પીણી શું હતી. જે પ્રકારે અહીં વિવિધ કિંમતી સ્ટોનના અવશેષો મળી આવ્યા છે તે પરથી સંશોધન કરવામાં આવશે કે અહીં ધંધાકીય રીતે આ સ્ટોનનો ઉપયોગ થતો હતો કે કેમ તે માટે બારીકાઈથી કામ કરવામાં આવશે.

આ વિસ્તારમાંથી વિશિષ્ટ પ્રકારની માટીના વાસણોમાં મોટા મોટા માટલા, ડીશના અવશેષો મળ્યા છે. મકાનના પાયા પાસેથી મળેલા બે માટલામાંથી એક માટલું હડપ્પા સભ્યતાના વાસણો સાથે સમાનતા ધરાવે છે જયારે બીજુ માટલું એ આ વિશિષ્ટ પ્રકારની માટીમાંથી બનેલું છે. પડદા બેટ સાઈટ પરની વસાહત ટેકરીના ઢોળાવ પર વસેલી હતી. સામાન્ય રીતે ધોળાવીરા અને અન્ય હડપ્પા સભ્યતાની વસાહતો સમતળ જમીન પર વસેલી જોવા મળી હતી.આ ટેકરીની બાજુમાંથી એક નાની નદી પસાર થતી હતી જે અહીં વસતા લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત રહી હશે.

આગામી સમયમાં કેરાલા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અભયન જી.એસ.અને ડો. રાજેશ એસ.વી.ના માર્ગદર્શન હેઠળ તેમજ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સના હેડ ડો. સુભાષ ભંડારી અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષો પર બારીકાઈથી સંશોધન અને અભ્યાસ કરવામાં આવશે.

200 x 200 મીટરના વિસ્તારમાં પ્રાચીન અવશેષો મળ્યા

પડદા બેટ પાસેના ખોદકામમાં નાની ટેકરીના ઢોળાવ પરથી વસાહતનો પૂરાવો મળ્યો હતો. આ સ્થળ પર 200ડ્ઢ 200 મીટરના વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યામાંથી હડપ્પન સંસ્કૃતિના પુરાત્વિક અવશેષો મળ્યા છે. જેની પાછળ એક નાની નદી પણ વહેતી હતી. ઊંચાઈ વાળા વિસ્તારમાંથી આ અવશેષો મળ્યા છે જેથી આસપાસના વિસ્તારમાં પણ સંશોધન માટે સરળ બની શકે છે. હાલમાં મળેલા અવશેષોમાં જ્યાં લોકો રહેતા હશે તેવા વસવાટના વિસ્તારના ગોળ અને લંબચોરસ આકારના બે મકાનના પાયાના અવશેષો મળ્યા છે, જે સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનાવાયા છે. આ સિવાય માટીના વાસણના ટુકડા પણ મળ્યા છે જેમાં નાના અને મોટા માટલાઓ મળ્યા છે. તો અનેક વાસણો પણ મળ્યા છે સાથે સાથે સેમી પ્રેશિયસ સ્ટોન પણ મળ્યા છે.તો હેમર સ્ટોન અને ગ્રાઇન્ડીંગ સ્ટોન પણ મળ્યા છે.તો ગાય અને બકરી જેવા પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો પણ સંશોધન દરમિયાન મળી આવ્યા હતા.આ સાઈટ જોઈને કહી શકાય છે કે આ 5700 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની સાઇટ છે.

2019માં ખટિયા સાઈટ પર કબ્રસ્તાનના અવશેષ મળી આવ્યા હતા

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સ વિભાગના ડીન ડો. સુભાષ ભંડારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2018માં કેરાલા યુનિવર્સિટીની ટીમે અને કચ્છ યુનિવર્સિટીની ટીમે લખપત તાલુકાના પડદા બેટ નામની સાઇટ પડદા બેટનું ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું.વર્ષ 2019માં હાલમાં જે સાઇટ પરથી અવશેષો મળ્યા છે છે તેનાથી 1.5 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ બાજુ આવેલા જૂના ખટિયા ખાતેના પ્રારંભિક હડપ્પા સભ્યતાના કબ્રસ્તાન પર પણ ખોદકામ કરાયું હતું.જ્યાં જૂના ખટિયાના ખોદકામને ધ્યાને લઇને કબ્રસ્તાનને તેની આસપાસના રહેણાંક વિસ્તારો સાથે કેવા સંબંધો રહ્યા હશે તેના વિશે વિચારીને વધુ ખોદકામ હાથ ધર્યું હતું.

પડદા બેટ સાઈટ અને ખટીયા સાઈટ વચ્ચેના સબંધ પર સંશોધન

પડદા બેટ સાઈટ પરથી પ્રાણીઓના અવશેષ પણ મળી આવ્યા છે ત્યારે કહી શકાય કે અહીં જે લોકો વસવાટ કરતા હતા તેઓ પશુપાલન સાથે સંકળાયેલા હોય શકે છે.આ વિસ્તારમાંથી ખોદકામ દરમિયાન માનવ હાડપિંજર પણ મળ્યું છે જેના પર પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે.હાલમાં જે ટેકરી પર અવશેષ મળી આવ્યા છે તે અને અગાઉ ખટીયા સાઈટ પરથી જે કબ્રસ્તાન મળી આવ્યું છે તે બન્ને વચ્ચે કેવો સબંધ હતો તે અંગે સંશોધન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.