Abtak Media Google News

Viagogo, eticketing.co , bookme  નામની બોગસ વેબસાઇટથી ટિકિટ ન ખરીદવા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની લોકોને અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપ 2023 ની મેચ અમદાવાદમાં રમાનારી છે. આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બંને ટીમો વચ્ચે જામનારી ટક્કર માણવા માટે ક્રિકેટ રસિયાઓ ટિકિટ ખરિદવા માટે રાહ જોઈ રહ્યા હતા. 3 સ્પ્ટેમ્બરથી ટિકિટનુ ઓનલાઈન વેચાણ શરુ થઈ ચૂક્યું છે, જેને ધ્યાને લઇ ખુબજ ધસારો જોવા મળ્યો છે. સર્વર હેક થતા ક્રિકેટ પ્રેમીઓને ટિકિટ ખરીદવું મુશ્કેલ બન્યું છે અને જેનો લાભ કાળા બજાર કરતા લોકો મેળવી રહ્યા છે. આઇસીસી અને બીસીસીઆઈએ સંયુક્ત રીતે મેચની સૌથી સસ્તી ટીકીટ બે હજાર નિર્ધારિત કરાઈ છે.

ભારત-પાકિસ્તાન મેચ ને લઈને દર્શકોમાં હંમેશા ઉત્સાહ રહેતો હોય છે.  ભારતની વર્લ્ડકપની અન્ય મેચોની ટિકિટો ઓનલાઈન વેચાઈ ગયા બાદ દરરોજ રાત્રે 8 કલાકે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો વેચાણ માટે રખાઈ છે. bookmyshow પર ટિકિટો ઓનલાઈન વેચાણ માટે રખાયાની ગણતરીની મિનિટોમાં જ પ્રથમ સ્લોટની ટિકિટો વેચાઈ ગઈ હતી.બાદમાં વધુ ટિકિટો વેચાણ માટે રખાઈ. જેમાં પણ દર્શકોએ 2 થી 3 કલાકની ક્યુમાં રાહ જોવી પડી રહી છે.

વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાવાની છે. તે જ સમયે, ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરે રમાશે. ભારતીય મેચોની ટિકિટના ભાવ આસમાને છે. કેટલીક બોગસ  ટિકિટ બુકિંગ વેબસાઇટ્સે ભારતીય મેચોની તમામ ટિકિટો વેચી દીધી છે. તે જ સમયે, ટિકિટ હજી પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પરંતુ તેમની કિંમતો ખૂબ ઊંચી છે. તેની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત ક્રિકેટ એસોસિએશન ટિકિટ ખરીદનાર લોકોને આ બોગસ વેબસાઈટ માં ન જવા અપીલ કરી છે.

Viagogo નામની ટિકિટ વેબસાઇટ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાનારી મેચની ટિકિટ લાખોમાં વેચાઈ રહી છે. વેબસાઈટ પર અપર ટાયર સેક્શન માટે ટિકિટની કિંમત 57 લાખ રૂપિયાથી વધુ જોવા મળે છે. સેક્શન N6 સાથે પણ આવું જ છે. આ વિભાગમાં પણ ટિકિટની કિંમત 57 લાખ રૂપિયાથી વધુ બતાવવામાં આવી રહી છે. આ વેબસાઇટ પર ટિકિટની સૌથી ઓછી કિંમત 80 હજાર રૂપિયા છે. એની સાથો સાથ eticketing.co , bookme  સાઇટ ઉપર અધધ ટિકિટના ભાવ બોલાઈ રહ્યા છે. તેના ઉપર આખરી કાર્યવાહી થાય તેવું ક્રિકેટ રસીકોએ પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે.

ભારત પાકિસ્તાન મેચ અને ફાઇનલ મેચની ટીકીટ બે હજાર રૂપિયાથી શરૂ થઈ 1 લાખ રૂપિયા સુધી

14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં યોજાનાર છે. જેની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજાર છે. આમ છતાં દર્શકોને આસાનીથી ઓનલાઇન ટિકિટ પ્રાપ્ત નથી થઈ રહી. મેદાનમાં સૌથી સસ્તી ટીકીટ બે હજાર રૂપિયાની છે અને ત્યારબાદ સ્ટેન્ડ મુજબ ટિકિટો ના દર વધારે રાખવામાં આવ્યા છે. એક વ્યક્તિ ઓનલાઈન માત્ર બે જ ટિકિટો ખરીદી શકે છે. ભારત-પાક ની ટીકીટ માત્ર ઓનલાઈન જ પ્રાપ્ત થશે. ઓફલાઇન ટિકિટનું વેચાણ  કરવામાં આવનાર નથી. એટલુજ નહિ ભારત પાકિસ્તાન મેચની સાથે વિશ્વકપ ફાઇનલ મેચની ટિકિટ 2 હજારથી શરૂ થઈ 1 લાખ નક્કી કરવામાં આવ્યા છે.

ટિકિટ વેચતી બોગસ વેબસાઈટોને ડામવા ગુજરાત ક્રિકેટ એસોસિએશને પોલીસને જાણ કરી છે : અનિલ પટેલ

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિશ્વ કપ માટે જે ટિકિટ વેચતી બોગસ વેબસાઈટ છે તેને ડામવા ગુજરાત પોલીસને જાણ કરી દીધેલી છે. હાલ વિશ્વ કપ માટે એકમાત્ર bookmyshow જ અધિકૃત વેબસાઈટ છે કે જ્યાં વિશ્વ કપના મેચોની ટિકિટ લોકો મેળવી શકે છે. વધુમા તેઓએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનના મેચની ટિકિટ રૂ.2,000 થી શરૂ થઈ એક લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે અને આ મેચ ની ટિકિટ ફાઇનલમાં પણ યથાવત રહેશે. અન્ય મેચોની ટિકિટ 500 રૂપિયાથી શરૂ થશે. અનિલ પટેલે જણાવ્યું હતું કે જ્યારે તેઓને આ અંગે જાણ થઈ કે બોગસ વેબસાઈટો મારફતે વિશ્વ કપની ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે તે સમયે જ ગુજરાત પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.