Abtak Media Google News

વિડીયોમાં પોલીસ વિરુદ્ધ બેફામ બફાટ કરતા ગુનો નોંધાયો: ખાખીએ લોકઅપની હવા ખવડાવી

ભાયાવાદર નગર પાલિકાના પ્રમુખનો ડમડમ હાલતમાં વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથધરી હતી. જે વિડીયોમાં પાલિકા પ્રમુખ પોલીસ વિરુદ્ધ પણ બેફામ બફાટ કરતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી લોકઅપની હવા ખવડાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાયાવદરના સરદાર પટેલ ચોકમાંં કોઇ ટીખળખોરોએ સરકારની નીતિને વખોડવા અને પોલીસને બદનામ કરવા આસપાસના વિસ્તારોમાંથી દારૂની ખાલી બોટલો એકઠી કરીને ગોઠવી દીધી હતી અને સરકારની તેમજ પોલીસની ઢીલી નીતિ સામે સવાલો ખડા કર્યા હતા અને તેનો વીડિયો જાહેર થયો હતો.

આથી આ બાબતની જાણ નગર પાલિકા પ્રમુખ નયન જીવાણીને થતાં તેઓ ખુદ દારૂના ચિક્કાર નશામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અમુક લોકોની હાજરીમાં જ પોલીસને ફોન કરીને બિભત્સ ગાળો ભાંડી હતી. આ વીડીયો પણ જાહેર થઇ જતાં પોલીસ તાબડતોબ હરકતમાં આવી ગઇ હતી અને પીધેલી હાલતમાં જ પાલિકા પ્રમુખની ધરપકડ કરી તેનો નશો ઉતારી લોકઅપના હવાલે કરી દીધા હતા.

ભાયાવદર પાલિકાના પ્રમુખે દારૂના ચિક્કાર નશામાં સ્થાનિક પોલીસના બીટ જમાદાર પંકજસિંહ જાડેજાનું નામ લઈ બેફામ વાણી વિલાસ કરવા લાગ્યા હતા. તેથી ત્યાં ઉભેલા લોકોના ટોળામાંથી કોઈ વ્યક્તિએ વીડિયો બનાવીને વહેતો કરી દેતાંં ભાયાવદર પીએસઆઈ એસ.વી.ગોજીયા તથા સ્ટાફના જવાનોએ વોચ ગોઠવી નગર પાલિકા પ્રમુખને પીધેલી હાલતમાં ઘર તરફ જતી વખતે ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવીને એક નશાખોર હાલતનો અને બીજો પોલીસને જાહેરમાં ગાળો દેવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને ભાયાવદર પાલિકા પ્રમુખને લોકઅપ હવાલે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.