પીપાવાવ: ખાનગી કંપનીના સુપરવાઈઝરનું ઢીમ ઢાળી લાશ જમીનમાં દાટી દીધી

Police line do not cross

સિક્યુરીટી ગાર્ડને શંકા જતા પોલીસને જાણ કરી: મૃતદેહને જમીનમાંથી કાઢી તપાસના ચક્રોગતિમાન હાથધર્યા

પીપાવાવમાં આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા એક શખ્સની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. સિક્યુરિટી ગાર્ડને શંકા જતા તેને પોલીસને જાણ કરી હતી. જેથી મરીન પોલીસે લાશને જમીનમાંથી બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના પીપાવાવ પોર્ટ ખાતે આવેલી કોન્ટ્રાક લોજિક કંપનીની પાછળના ભાગે શંકાસ્પદ દ્રશ્યો જોવા મળતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા પીપાવાવ મરીન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતા જમીનમાં દાટેલી હાલતમાં લાશ મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં આ લાશ કોન્ટ્રાક લોજિક કંપનીમાં લેબર સુવરવાઈઝર તરીકે કામ કરતા અનિલકુમાર આશારામ ત્યાગીની લાશ હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સે અનિલકુમાર ઢીમ ઢાળી દઈ લાશને જમીનમાં દાટી દીધાનું પોલીસે પ્રાથમિક તારણ જણાવ્યું છે.

પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો નોંધી લાશને ભાવનગર પીએમ માટે મોકલી આપી છે. પોલીસે ગુનો દાખલ કરી ક્યાં કારણોસર અનિલકુમારની હત્યા કરી કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથધરી છે.