Abtak Media Google News

આવતીકાલે શુક્રવારે બપોરે 12:39 કલાકના શુભ મુહુર્તે ભાજપના ઉમેદવારોનું નામાંકન: અમૂક બેઠકો માટે આજે અથવા સોમવારે પણ ફોર્મ ભરવામાં આવે તેવી સંભાવના

ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે. જેના માટે દાવેદારી કરવા માટે હવે માત્ર ત્રણ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદી પ્રસિદ્વ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે ભાજપના ઉમેદવારો એકીસાથે આવતીકાલે બપોરે 12 કલાક અને 39 મિનિટના શુભ વિજય મુહુર્તે નામાંકન પત્ર દાખલ કરે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. અમૂક બેઠકો માટે જો ઉમેદવારોના નામની ઘોષણા આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં નહી કરવામાં આવી હોય તેવી બેઠકો માટે સોમવારે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.

પ્રથમ તબક્કામાં આગામી 1લી ડિસેમ્બરના રોજ જે 89 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તેનું જાહેરનામું ગત શનિવારે પ્રસિદ્વ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જો કે પ્રથમ ચાર દિવસમાં માત્ર 12 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે. જેમાં ત્રણ પ્રાદેશિક પાર્ટીના ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 9 ફોર્મ અપક્ષ ઉમેદવારોએ ભર્યા છે. આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં તેજી આવે તેવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે ભાજપના સત્તાવાર ઉમેદવાર સાથે ડમી ઉમેદવારો પણ ફોર્મ ભરશે. બીજી તરફ આજે ગમે ત્યારે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની સંભાવના જણાઇ રહી છે. જો કોંગ્રેસ બીજી યાદી સાંજ સુધીમાં જાહેર કરી દેશે તો આવતીકાલે કોંગ્રેસના ઉમેદવારો પણ નામાંકન દાખલ કરવા માટે ઉમટી પડશે. બીજી તરફ ચૂંટણીમાં રાજકીય લાભ ખાટવાની ગણતરી સાથે જે લોકો હાલ અપક્ષ ઉમેદવારી કરવાની રાહ જોઇ રહ્યા છે. તેઓ તમામ ભાજપના ઉમેદવારો જાહેર થતાની સાથે અપક્ષ તરીકે ફોર્મ ભરવા ઉમટી પડે તેવું પણ મનાઇ રહ્યું છે.

ભાજપ વર્ષોથી ઉમેદવારી ફોર્મ બપોરે 12 કલાક અને 39 મિનિટે ભરે છે. કારણ કે આ સમયને ખૂબ જ શુભ અને વિજય મુહુર્ત માનવામાં આવે છે. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરોમાં જાહેર સભા યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.

ત્યારબાદ ઉમેદવારો વિધિવત રીતે પોતાની દાવેદારી રજૂ કરશે. ભાજપના સત્તાવાર અને ડમી ઉમેદવાર એમ બે ફોર્મ ભરવામાં આવશે. સત્તાવાર ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતાની સાથે જ ડમી ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ્ થઇ જશે.

મોટાભાગની બેઠકો માટે ભાજપ દ્વારા આવતીકાલે ફોર્મ ભરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. મંગળવારથી ભાજપ પૂરજોશમાં પ્રચાર અભિયાન શરૂ કરી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.