- આજે ગમે ત્યારે ઉમેદવારોના નામની થશે ઘોષણા: કાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
Gujarat News
ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા આજે ગમે તે ઘડીએ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય કાલે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને પરસોતમભાઈ રૂપાલા ઉપરાંત કોંગ્રેસ ડો. અમિબેન યાજ્ઞીક તથા નારણભાઈ રાઠવાની રાજયસભાના સાંસદ તરીકેની મુદત આગામી બીજી એપ્રીલના રોજ પૂર્ણ થઈ રહી છે. ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે આગામી 27મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.દરમિયાન આજે ગમેતે ઘડીએ સતાધારી પક્ષ ભાજપ દ્વારા રાજયસભાની ચારેય બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી શકે છે. ભાજપ દ્વારા નો.રિપીટ થિયરી અપનાવવામાં આવશે. કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખ માંડવીયા અને પરસોતમભાઈ રૂપાલાને લોકસભાની આગામી ચૂંટણીમાં લડાવવાની ભાજપની વ્યુહ રચના હોય આ બંને મંત્રીઓને હવે ત્રીજીવાર રાજયસભાની ટિકિટ આપવામાં આવશે નહી. ભાજપ દ્વારા પાટીદાર સમાજ, દલીત સમાજ, ઓબીસી સમાજ અને આદિવાસી સમાજએમ ચારેય સમાજને રાજયસભાની ટિકિટ આપવામાં આવશે.એક મહિલાને ટિકીટ આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.
આજે સાંજ સુધીમાં ભાજપ દ્વારા રાજયસભાની ચારેય બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોેષણા કરી દેવામાં આવશે. ચારેય બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. માત્ર ઉમેદવારોના નામ સંલગ્ન વિગતો જ ભરવાની બાકી રાખવામાં આવ્યું છે. ઉમેદવારોનાનામ રજૂ કરનાર અને ટેકોજાહેર કરનારા ધારાસભ્યોના નામ લખી તેઓની સહી પણ લેવડાવી લેવામાં આવી છે. વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકોનું સભ્ય સંખ્યાબાળ હોય ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ર્ચિત છે.
અપૂરતા સભ્ય સંખ્યા બળને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર કરાશે.ગુજરાતની રાજયસભાની 11 બેઠકો પૈકી હવે 10 બેઠકો ભાજપ પાસે હશે જયારે એકમાત્ર બેઠક કોંગ્રેસ પાસે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલની રાજયસભાના સાંસદ તરીકેની મૂદત આગામી 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. 2026માં ગુજરાતની રાજયસભા પણ કોંગ્રેસ મુદત થઈ જશે.