Abtak Media Google News

છાશવારે સરહદી વિસ્તારોના રહેણાંક વિસ્તારોમાં નાગરિકોને નિશાન બનાવતા પાકિસ્તાનને બીએસએફએ એવો જડબાતોડ જવાબ આપ્યો છે કે હવે પાકિસ્તાન તોબા તોબા કરવા લાગ્યું છે. બીએસએફ દ્વારા સરહદ નજીકના પાકિસ્તાનના સૈનિકો અને પૂર્વ સૈનિકોના ઘરો અને ખેતરો પર કરવામાં આવેલા ફાયરિંગ બાદ પાકિસ્તાન હવે શસ્ત્રવિરામની માંગણી કરવા લાગ્યું છે. ગત મહિને ભારતીય જવાનોની હત્યા, ગ્રામીણો પર ફાયરિંગ અને ગામડાઓ પર ગોળાબારી કરનારા પાકિસ્તાને સ્નાઈપર્સનો ઉપયોગ કર્યો હતો જેને જડબાતોડ જવાબ આપવા માટે ‘ઓપરેશન અર્જુન’ શરૂ કરવામાં આવ્યું હતું.

ઓપરેશન અર્જુન અંતર્ગત સરહદ પર પાકિસ્તાનને જવાબ આપવાના કારણે પાકિસ્તાને 3 દિવસ પહેલા જ યુદ્ધવિરામની અપીલ કરવી પડી. સૂત્રોના જણાવ્યાં મુજબ બીએસએફએ વિશેષ સ્વરૂપે પાકિસ્તાનના પૂર્વ સૈનિકો, આઈએસઆઈ અને પાકિસ્તાની રેન્જર્સના અધિકારીઓના ઘરો અને ખેતરોને નિશાન બનાવ્યાં, આ લોકો ઘૂસણખોરી અને ભારત વિરોધી અભિયાનોમાં આતંકીઓને મદદ કરી રહ્યાં હતાં.

ભારતીય કાર્યવાહી બાદ પાકિસ્તાન રેન્જર્સના પંજાબ ડીજી મેજર જનરલ અજગર નવીદ હાયત ખાને બીએસએફ ડાઈરેક્ટર કે કે શર્માને સપ્તાહમાં બે વાર ફાયરિંગ રોકવાની અપીલ કરી. શર્મા દ્વારા પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર કરવામાં આવેલા ફાયરિંગનો જોરદાર વિરોધ પ્રગટ કરવામાં આવ્યો. શર્માને પાકિસ્તાન તરફથી પહેલો ફોન 22 સપ્ટેમ્બરના રોજ અને બીજો ફોન 25 સપ્ટેમ્બરના રોજ આવ્યો હતો.

શર્માએ ખાનને કહ્યું કે તેમના જૂનિયર 12મી ચેનાબ રેન્જર્સના લેફ્ટેનન્ટ કર્નલ ઈરફાનનુ વલણ ઉશ્કેરાટભર્યુ રહ્યું છે જેનાથી બંને તરફ ફાયરિંગનું જોખમ વધી ગયું છે. ઓપરેશન અર્જુન અંતર્ગત બીએસએફએ નાના, મધ્યમ અને એરિયા વેપન્સનો ઉપયોગ કર્યો. જેનાથી પાકિસ્તાનને ભારે નુક્સાન થયું. તેમાં પાકિસ્તાન રેન્જર્સના સાત સૈનિકો અને 11 નાગરિકો માર્યા ગયાં. લાંબા અંતરના 81 એમએમ વેપન્સના ઉપયોગથી પાકિસ્તાની સેના અને રેન્જર્સના અનેક આઉટ પોસ્ટ નષ્ટ કરી દેવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત ફાયરિંગના કારણે બીએસએફએ પશ્ચિમી સરહદ પર પોતાના ઓપરેશનને ફરીથી તૈયાર કર્યું.

સૂત્રોના જણાવ્યાં મુજબ આ અભિયાન છેલ્લા વર્ષે ત્રણ મહિના સુધી ચાલેલા ‘ઓપરેશન રુસ્તમ’ની તર્જ પર હતું. સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સેનાના ફાયરિંગનો જવાબ આપવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બીએસએફના જવાબને કારણે પાક રેન્જર્સે સફેદ ઝંડો બતાવવા મજબુર થવું પડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.