હળવદમાં દસ્તાવેજ નોંધણી માટેની સાઈટમાં છેલ્લા ૫ દિવસથી ધાંધિયા

ગરવી ગુજરાત સાઇટ પર અવારનવાર ક્ષતિઓ આવતા ટોકન મેળવવામાં અરજદારોને પારાવાર હાલાકી

રાજ્યભરમાં ચાલતી દસ્તાવેજ નોંધણીઓની ઓનલાઈન પ્રક્રિયામાં નબળી સિસ્ટમને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા હોય એવા બનાવો રોજીંદા બન્યા છે ત્યારે હળવદમાં પણ ઓનલાઈન પ્રક્રિયા ગોકળ ગાય ની  માફક ચાલતી હોવાનું જાણવા મળે છે.રાજયભરમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની અરજીઓ અને તેને લગતી અલગ અલગ કાર્યવાહી માટે રાજ્ય સરકાર દ્વારા ગરવી ગુજરાતનામથી વેબસાઈટ તૈયાર કરવામા આવી છે. જેમાં દસ્તાવેજ નોંધણી માટે   ઓનલાઇન ટોકન, ઇ ચલણ ભરવા, ઇન્ડકેસ (૨) ની નકલ મેળવવા તેમજ અન્ય જરૂરી કામગીરી તેના થકી કરવામાં આવતી હોય છે. જોકે આ વેબસાઈટ પર રાજ્યભર વર્ક લોડ વધુ રહે છે જેની સામે તેનું સર્વર નાનું હોવાથી અવાર નવાર સાઇટ બંધ થઈ જાય છે. તો કયારેક એવી પણ સમસ્યા સર્જાય છે કે અરજદારો દ્વારા ટોકન મેળવવા અરજી કરી દીધા બાદ તેંમના ખાતામાંથી ભરવા પાત્ર રકમ કપાઈ જાય છે પણ તિજોરી વિભાગને તે રકમ મળતી નથી. આ સમસ્યાને કારણે અરજદારોને ફરીવાર અરજી કરી નવા ટોકન મળે ત્યાં સુધી રાહ જોવી પડે છે. તો પૈસા પરત મેળવવા ફરી બેંકનો સંપર્ક કરવો પડે છે.દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં પારદર્શકતા જળવાઇ રહે તે માટે આ સાઇટ શરૂ કરવામાં આવી છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરરોજ ના સરેરાશ ૨૦ થી વધુ દસ્તાવેજ થતા હોય છે  ત્યારે સર્વરમાં સર્જાતી ખામીને કારણે છેલ્લા પાંચ દિવસ થી અરજદારો અને તેમના વકીલનો સમય બરબાદ થતો હોવાની ફરિયાદ ઊઠી છે. આ બાબતે સ્થાનિક સ્તરે ફરિયાદ કરવામાં આવે તો તેઓ દ્વારા ગાંધીનગરથી સાઇટની કામગીરી થતી હોવાથી તેઓ પણ કશું કરી શકે તેમ નથી. અરજદારો અને વકીલોની સમસ્યા બાબતે રાજય સરકારના સબંધિત વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી હળવદ ના  રેવન્યુ  સાથે જોડાયેલ વકીલો દ્વારા માગણી કરવામાં આવી છે.